ધ બોરીવલી એજ્યુકેશન સોસાયટીનો ભવ્ય કાર્યક્રમ
જીવનોત્સવ ૨૦૨૬ની ભવ્ય ઉજવણી; ૧૦૦૦થી વધુ વિદ્યાર્થી સહભાગી થયા
posted by Niilesh waghela
મુંબઈ: પુષ્પા માં ફાઉન્ડેશન દાદા-દાદી પાર્ક અને ધ બોરીવલી એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત બહુઆયામી મહોત્સવ જીવનોત્સવ ૨૦૨૬ તારીખ ૮થી ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ભવ્યતા અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. ભારતના રાષ્ટ્રપતિના હસ્તે લાઇફટાઇમ અચીવમેન્ટ નેશનલ અવૉર્ડ પ્રાપ્ત કરનાર સંસ્થાના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રી વિનુભાઈ વલિયાની જન્મજયંતી નિમિત્તે, તેમના પ્રેરણાદાયી જીવનકાર્યને શ્રદ્ધાંજલિ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
ધ બોરીવલી એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તથા સીઈઓ શ્રી જયેશભાઈ યાગ્નિકે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આદરણીય વિનુભાઈ વાલિયાના શૈક્ષણિક અને સામાજિક વારસાને તેમનો સમગ્ર વલિયા પરિવાર આજે પણ એટલી જ નિષ્ઠા, શક્તિ અને સક્ષમતાથી આગળ ધપાવી રહ્યો છે.” તેમણે આ કાર્યની વિશેષ પ્રશંસા કરી હતી.
આ વર્ષના જીવનોત્સવ મહોત્સવમાં ધ બોરીવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નર્સરીથી લઈને અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ) વિભાગ સુધીના આશરે ૧,૦૦૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાપ્રતિભા, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે પોડકાસ્ટિંગ, મહેંદી સ્પર્ધા, કંદીલ બનાવવાની સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, તોરણ બનાવવાની સ્પર્ધા, પર્યાવરણને અનુકૂળ ગણેશમૂર્તિ બનાવવાની સ્પર્ધા, કુકિંગ વિથઆઉટ ફાયર અને વાદવિવાદ જેવી વિવિધ રસપ્રદ તથા નવીન સ્પર્ધાઓનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાઓમાં ભાગ લેનાર તથા નોંધપાત્ર સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ પુષ્પા માં ફાઉન્ડેશન દાદા-દાદી પાર્કના ટ્રસ્ટી વલિયા ફેમિલી દ્વારા મેડલ, પ્રમાણપત્રો અને આકર્ષક ભેટસોગાદો આપીને સન્માનિત કરવામાં આવ્યા તથા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ઉપક્રમ અંગે સંતોષ વ્યક્ત કરતાં આયોજકોએ જણાવ્યું હતું કે, “જીવનોત્સવની વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ પર અત્યંત હકારાત્મક અસર જોવા મળી રહી છે. આ મંચ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વના ગુણો અને સામૂહિક કાર્ય કરવાની ભાવનાનો વિકાસ થયો છે. સંસ્થાના વિદ્યાર્થીઓ તાલુકા, જિલ્લા, વિભાગીય, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.”


Comments
Post a Comment