Augmont partners with NSE for new transformation in the gold ecosystem

Gold ઇકોસિસ્ટમમાં નવા પરિવર્તન માટે ઑગમોન્ટની NSE સાથે યુતિ

Posted by Niilesh waghela 

મુંબઈ: ભારતના અગ્રણી ઇન્ટિગ્રેટેડ ગોલ્ડ પ્લેટફોર્મ્સ પૈકીની એક ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) સાથે ઐતિહાસિક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી ભારતના ઓર્ગેનાઇઝ્ડ બુલિયન બજારના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ સહયોગનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર)ના વ્યાપક સ્વીકારને વેગ આપવાનો છે. ઈજીઆર એ સેબી દ્વારા નિયમન હેઠળ આવતું અને એક્સચેન્જ-ટ્રેડેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ભૌતિક સોનાને ડિમેટ સ્વરૂપની સિક્યોરિટીમાં ફેરવે છે જેને રોકાણકારોના ડિમેટ ખાતામાં રાખવામાં આવે છે.

આ વ્યૂહાત્મક ભાગીદારીના ભાગરૂપે ઑગમોન્ટ ઈજીઆરના ક્રિએશન, રિડમ્પશન, લિક્વિડિટી ઉપલબ્ધ કરાવવી, ડિલિવરી અને ભાવ નિર્ધારણ માટે પોતાની વ્યાપક ઇકોસિસ્ટમનો ઉપયોગ કરશે. આ અંતર્ગત કંપનીના 4.2 કરોડથી વધુ નોંધાયેલા યુઝર્સ, સ્પોટ પ્લેટફોર્મ સાથે જોડાયેલા 4,975થી વધુ જ્વેલર્સનું નેટવર્ક, 4,600થી વધુ રિટેલ ટચપોઇન્ટ્સ, 80થી વધુ ગોલ્ડ ફોર ઓલ સ્ટોર્સ તેમજ અગ્રણી સ્ટોકબ્રોકર્સ અને નાણાંકીય સેવાઓ પૂરી પાડનારાઓ સાથેના એપીઆઈ ઇન્ટિગ્રેશનનો સમાવેશ થાય છે. 

ઑગમોન્ટ ઈન્ડિયા ગુડ ડિલિવરી માન્યતા ધરાવતી રિફાઇનર છે. ઉપરાંત, એમસીએક્સ સહિતના વિવિધ એક્સચેન્જોમાં તમામ ગોલ્ડ કોન્ટ્રાક્ટ્સ માટે ફ્યુચર્સ ડિલિવરી માટે તે માન્ય પેનલમાં સામેલ છે તેમજ ગોલ્ડ ઈટીએફ માટે અધિકૃત સહભાગી પણ છે. આ રીતે કંપની ઈટીએફ અને ઈજીઆર ઇકોસિસ્ટમ વચ્ચે સ્વાભાવિક જોડાણ પૂરું પાડે છે.

ભારત માટે ગોલ્ડ ક્ષેત્રમાં યુપીઆઈ જેવી ક્રાંતિ

જે રીતે યુપીઆઈએ સુરક્ષિત, પરસ્પર સુસંગત અને નિયમન આધારિત ડિજિટલ માળખું ઊભું કરીને પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિ લાવી હતી, તે જ રીતે ઈજીઆરમાં પણ ગોલ્ડ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની ક્ષમતા છે. ઈજીઆર દ્વારા ભૌતિક સોનાને એક્સચેન્જ દ્વારા નિયમિત એક જ માળખા હેઠળ રાખી શકાય છે, તેનું ખરીદ-વેચાણ કરી શકાય છે, તેને ગીરો મૂકી શકાય છે અને તેના પર ધિરાણ પણ મેળવી શકાય છે. આ વ્યવસ્થા ભારતના પરિવારો પાસે રહેલા વિશાળ પ્રમાણના સોનાને આર્થિક રીતે ઉપયોગી બનાવશે અને તેને સંગઠિત નાણાંકીય વ્યવસ્થાનો ભાગ બનાવશે.

ભારતમાં ખાનગી માલિકી હેઠળ અંદાજે 30,000થી 35,000 ટન સોનું રહેલું છે. જોકે, આ સંપત્તિ અત્યાર સુધી આર્થિક રીતે મોટા ભાગે નિષ્ક્રિય રહી છે. દરેક ઈજીઆર એક્સચેન્જ દ્વારા નક્કી કરાયેલા ભાવ પર ભૌતિક સોનાની સીધી માલિકી દર્શાવે છે. સાથે જ સોનું જમા કરાવનાર વ્યક્તિ સોનાના ભાવમાં થતા ફેરફારનો સંપૂર્ણ લાભ જાળવી રાખે છે અને એનએસઈના સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (એસએલબી) પ્લેટફોર્મ મારફતે દાગીના બનાવનારાઓને પોતાનું સોનું ધિરાણ આપી તેના પર આવક પણ મેળવી શકે છે.

આ વ્યવસ્થાની ભારતના આયાત બિલ પર પણ મહત્વપૂર્ણ અસર થઈ શકે છે. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન ભારતે રેકોર્ડ 71.98 અબજ યુએસ ડોલરનું સોનું આયાત કર્યું હતું, જે દેશની કુલ માલસામાન આયાતના લગભગ 9.2 ટકા જેટલું હતું. એસએલબી વ્યવસ્થા દ્વારા દેશમાં પહેલેથી ઉપલબ્ધ સોનાને ઉત્પાદકો સુધી પહોંચાડવાથી ઈજીઆર ભારતની આયાતી સોના પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. તેનાથી ચાલુ ખાતાની ખાધ પરનું દબાણ ઘટશે અને સરકારને વ્યાજ ચૂકવ્યા વગર અર્થતંત્રમાં મોટી અસર ઊભી થશે.

અનોખું નાણાંકીય સાધન

ઈજીઆર વિશ્વના એવા પ્રથમ એક્સચેન્જ પર ટ્રેડ થતા અને ભૌતિક સોનાથી સમર્થિત સાધનો પૈકીનું એક છે, જેમાં રિફાઇનિંગ, વોલ્ટિંગ, ટ્રેડિંગ, ધિરાણ અને ફિઝિકલ રિડમ્પશન જેવી તમામ પ્રક્રિયાઓને એક જ નિયમન આધારિત માળખામાં એકીકૃત કરવામાં આવી છે.

ઈજીઆરમાં એક્સચેન્જનું નિયમન, પારદર્શક ભાવ નિર્ધારણ, ખાતરીપૂર્વકનું સેટલમેન્ટ અને એકીકૃત ધિરાણ વ્યવસ્થાનો સમાવેશ થાય છે, જેના કારણે ભારત જેવા વિશાળ બજારમાં નોંધપાત્ર તકો ઊભી થાય છે.

એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર (સીબીડીઓ) શ્રી શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે, “ભારતમાં ભૌતિક સોના માટે પારદર્શક, કાર્યક્ષમ અને એક્સચેન્જ દ્વારા નિયમિત બજાર ઊભું કરવા માટે એનએસઈનું ઈજીઆર માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમ જેમ વધુ સહભાગીઓ આ ઇકોસિસ્ટમ સાથે જોડાશે તેમ બજારમાં વધુ સારી લિક્વિડિટી, વધુ પ્રમાણભૂત વ્યવસ્થા અને રોકાણકારોની વ્યાપક ભાગીદારી જોવા મળશે. માન્યતા પ્રાપ્ત રિફાઇનર્સને જોડવા અને લિક્વિડિટી પૂરી પાડનારાઓની ભાગીદારી વિશ્વસનીય અને મજબૂત બુલિયન માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેના મહત્વપૂર્ણ પાયા છે.”

ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર શ્રી કેતન કોઠારીએ જણાવ્યું હતું કે, “ઈજીઆર ભારતીયો ભૌતિક સોનાને જે પ્રકારે સાચવે છે તેમાં મોટું પરિવર્તન લાવશે. ઈટીએફ અને ડિજિટલ ગોલ્ડના શ્રેષ્ઠ ગુણોને એકસાથે લાવીને ઈજીઆર પ્રથમ વખત સોનાના કોમોડિટી, કરન્સી અને નાણાંકીય સંપત્તિના ત્રણેય પાસાંને એક જ સાધનમાં સમાવે છે. તેના દ્વારા તમે સોનાની ખરીદી-વેચાણ શેરની જેમ કરી શકો છો, વિશ્વાસપાત્ર ઝવેરી પાસેથી તેને સિક્કા અથવા ઘરેણાંના સ્વરૂપમાં મેળવી શકો છો, આવક મેળવવા માટે તેને ધિરાણ આપી શકો છો અથવા તેના આધારે લોન પણ મેળવી શકો છો અને આ બધું સેબી દ્વારા નિયમિત માળખા હેઠળ શક્ય બને છે. 

વિશ્વમાં અન્ય કોઈ પણ ગોલ્ડ પ્રોડક્ટ આટલી વિવિધ પ્રકારની સુવિધાઓ આપતી નથી. ઑગમોન્ટે આ જ ક્ષણને ધ્યાનમાં રાખીને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે અને અમે અમારા સમગ્ર જ્વેલર્સ નેટવર્ક, રિટેલ ટચપોઇન્ટ્સ અને બ્રોકર ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરીને ભારતના દરેક પરિવાર માટે સોનાને સાચા અર્થમાં ઉત્પાદક સંપત્તિ બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ.”

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (આઈબીઝેએ)ના નેશનલ સેક્રેટરી શ્રી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, “આજે જે ટોકનાઇઝ્ડ ગોલ્ડ માર્કેટ છે તેની સરખામણીમાં ઈજીઆરનું કદ 100 ગણું મોટું બનશે. ઈજીઆર એવી સુવિધાઓ આપે છે જે કોઈપણ બ્લોકચેન આધારિત ગોલ્ડ પ્રોડક્ટ આપી શકતી નથી. તેમાં એક્સચેન્જ આધારિત પારદર્શક ભાવ નિર્ધારણ, ખાતરીપૂર્વકનું સેટલમેન્ટ, પ્રમાણભૂત ગુણવત્તા અને એવી ધિરાણ વ્યવસ્થા છે, જે નિષ્ક્રિય પડેલા સોનાને સીધું જ જરૂરિયાત ધરાવતા ઉત્પાદકો સુધી પહોંચાડે છે.

વૈશ્વિક સ્તરે ઘણા લોકોનું માનવું હતું કે બ્લોકચેન આધારિત કરન્સી નાણાંકીય વ્યવસ્થામાં ક્રાંતિ લાવશે, પરંતુ તેમાંની કોઈપણ વ્યવસ્થા યુપીઆઈએ જે સિદ્ધિ મેળવી છે તેની નજીક પણ પહોંચી શકી નથી. ઈજીઆર સમગ્ર વિશ્વને બતાવશે કે ખાણમાંથી બજાર સુધી, ગ્રાહક સુધી અને પછી ફરી બજાર સુધીનો સોનાનો વ્યવહાર તેની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેવી રીતે પ્રમાણભૂત રીતે થવો જોઈએ. ભારતે માત્ર ડિજિટલ પેમેન્ટ્સ અપનાવ્યાં નથી, પરંતુ વૈશ્વિક ધોરણ પણ નક્કી કર્યું છે. હવે ઈજીઆર દ્વારા ભારત ગોલ્ડ ક્ષેત્રમાં પણ આવું જ કરશે.

Comments

Popular posts from this blog

Neela Rathore Soni re-elected as BJP's publicity chief

Notebooks to cost 20% more

CBSE BOARD:મળો વડોદરાની All-Rounder જીલ ત્રિવેદીને