ELECTION/ STOCK MARKET: બીજેપીનો વિજય બજારને કેમ તારી ના શક્યો?
બીજેપીનો વિજય બજારને કેમ તારી ના શક્યો?
નિલેશ વાઘેલા
મુંબઈ: સામાન્ય રીતે ચૂંટણી પરિણામ જો શાસક પક્ષની તરફેણમાં આવે તો શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળે છે. જોકે આ વખતે એવું જોવા ન મળ્યું, બજારમાં તાત્કાલિક અસરમાં ૧૦૦૦ પોઇન્ટ જેવો ઉછાળો આવ્યો ખરો, પણ ટકી ન શક્યો! આની પાછળ કેટલાક મહત્વના કારણો છે.
પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ શાસનમાં આવવાના સંકેત સાથે એક ઐતિહાસિક પરિવર્તનને આકાર મળ્યો છે. આ પ્રકારનો રાજકીય ભૂકંપ સામાન્ય રીતે દલાલ સ્ટ્રીટ પર અનેક દિવસની રેલીને વેગ આપતો હોય છે, પરંતું આ ઉન્માદ ઝાઝો ટક્યો નહીં!
ચૂંટણી પરિણામ પ્રેરિત તેજીનો ઉત્સાહ થોડા કલાકો સુધી પણ ટક્યોે નહીં, કારણ કે વૈશ્ર્વિક વાસ્તવિકતાઓએ તેજીની પાર્ટીને કચડી નાખી. ઐતિહાસિક ચૂંટણી પરિણામ જાહેર થયાના બીજા જ દિવસે, મંગળવારે સેન્સેક્સ સવારના સત્રમાં ૫૦૦ પોઈન્ટથી વધુ તૂટી ગયો, અને નિફ્ટી ૦.૬ ટકા ગબડ્યો હતો, કારણ કે અન્ય બધા જ મહત્ત્વના પરિબળો બજાર માટે નકારાત્મક રહ્યા છે. સત્રને અંતે સેન્સેક્સ ૨૫૧ પોઇન્ટ અને નિફ્ટી ૮૬.૫૦ પોઇન્ટના ઘટાડા સાથે સ્થિર થયો હતો.
બજારને અવરોધનારું સૌથી મોટું સંકટ ક્રૂડ ઓઇલના ભાવ ઉછાળાને લગતું છે. હોર્મુઝમાં યુદ્ધ હજુ અટક્યું નથી, ઇરાની ફ્રીગેટ્સ અને અમેરિકન નેવી વચ્ચેના તણખાંએ ક્રૂડને ફરી ઊછાળ્યું હતું. એકંદરે ક્રૂડ ઓઇલમાં વધારો, રૂપિયામાં ફ્રીફોલ અને એફઆઇઆઇન્ઈ સતત વેચવાલીને કારણે ચૂંટણી પરિણામોને કારણે જન્મેલી નીતિ સાતત્ય અને રોકાણની સંભાવનાની ઉજવણી પર પડછાયો પડ્યો હતો.
સોમવારે સવારે ચૂંટણી પરિણામોએ બંગાળમાં ભાજપની જીતની પુષ્ટિ કર્યા પછી, સેન્સેક્સ લગભગ ૧,૦૦૦ પોઈન્ટના ઉછાળા બાદ માત્ર ૩૫૬ પોઈન્ટના વધારા સાથે બંધ થયો, જે એક ચેતવણી હતી કે માત્ર આ પરિબળ બજારને આગળ ધપાવશે નહીં. મંગળવાર સુધીમાં, હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી શરૂ થયેલા લશ્કરી છમકલાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૧૩ની આસપાસ પાછા ફરવાથી બજારનું સેન્ટિમેન્ટ ડહોળાયું છે, જે કોઈપણ સ્થાનિક રાજકીય હકારાત્મક બાબતોને દબાવી દે છે.ટ
રોકાણકારોએ પશ્ર્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં અને આસામમાં ત્રીજી ટર્મમાં ભાજપને મળેલા ફાયદાઓને અવગણ્યા, કારણ કે આયાત બિલમાં વધારો મેક્રો-ઇકોનોમિક ફંડામેન્ટલ્સને નબળા પાડી શકે છે, ખરીદ શક્તિ અને કમાણી ઘટાડી શકે છે.
આ ઉપરાંત મોટું નકારાત્મક પરિબળ રૂપિયાની કટોકટી છે. મંગળવારે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો હતો. અખાતમાં અમેરિકા-ઈરાનના હુમલાથી બજારોમાં ખળભળાટ મચી ગયો હતો, જેના કારણે ઉકેલની આશા ધૂંધળી થઈ ગઈ હતી અને તેલ આયાત કરનારા અર્થતંત્ર સામેના જોખમો અંગે ચિંતાઓ વધી ગઈ હતી.
ભારતીય ચલણ ૦.૩ ટકા ઘટીને ૯૫.૪૦ પ્રતિ ડોલર બોલાયું, જે પાછલા ગુરુવારના ૯૫.૩૩ના તેના અગાઉના સર્વકાલીન નીચલા સ્તરને વટાવી ગયું હતું ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ ફાટી નીકળ્યા પછીથી રૂપિયો ૪.૫ ટકા ઘટ્યો છે.
ભારતીય રૂપિયા માટે યુબીએસે તેના વર્ષના અંત સુધીની ૯૪ પ્રતિ ડોલરની આગાહી સુધારીને ૯૬ જાહેર કરી છે, જ્યારે એએનઝેડના વિશ્ર્લેષકો માર્ચ ૨૦૨૭ સુધીમાં તે ૯૮ સુધી નબળો પડી જવાની અપેક્ષા રાખે છે.
એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઆઇ)એ ગુરુવારે રૂ. ૮,૦૪૭.૮૬ કરોડની ઇક્વિટી વેચ્યા બાદ સોમવારે રૂ. ૨૮૫૩.૬૨ કરોડની ઇક્વિટી ખરીદી હતી. શુક્રવારે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે શેરબજાર બંધ રહ્યા હતા.
સોમવારે, સેન્સેક્સ ૩૫૫.૯૦ પોઈન્ટ અથવા ૦.૪૬ ટકા વધીને ૭૭,૨૬૯.૪૦ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૧૨૧.૭૫ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકાના વધારા સાથે ૨૪,૧૧૯.૩૦ પર બંધ થયો હતો.

Comments
Post a Comment