શેરબજાર આ યુદ્ધનો આંચકો પણ પચાવી લેશે: શાહઝાદ મડોન

શેરબજાર આ યુદ્ધનો આંચકો પણ પચાવી લેશે: શાહઝાદ મડોન

Posted by Niilesh waghela 

મુંબઇ: ઇરાન અને અમેરિકા વચ્ચેની અથડામણો વધુને વધુ તીવ્ર બની રહી હોવાથી ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધીને બેરલદીઠ ૧૦૦ ડોલર આંબી ગયા હોવાથી શુક્રવારે સેન્સેક્સ વધુ ૧૪૭૦ પોઇન્ટ તૂટ્યો અને નિફ્ટી ૨૩,૧૫૦ની નજીક બંધ થયો હતો. 

આ ધબડકાને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૦.૪૭ લાખ કરોડનું ધોવાણ થયું છે. પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સમાં લગભગ ૩૭૦૦ પોઇન્ટથી વધુ ધોવાણ થયું છે. આ તરફ નિફ્ટી ઇન્ડેક્સ ૪૮૮.૦૬ પોઇન્ટ અથવા તો ૨.૦૬ ટકાના ઘટાડા સાથે ૨૩,૧૫૧.૧૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

ઇરાને ટ્રમ્પને ચેતવણી આપી છે કે તે અમેરિકાના અર્થતંત્રને ભાંગી નાંખશે. ઇરાને યુદ્ધ રોકાવા માટે અમેરિકા સામે ત્રણ આકરી શરતો પણ મૂકી છે. આની સામે અમેરિકાએ ઇરાનને એવી સજા આપવાની ધમકી આપી છે કે જે આખી દૂનિયા જોતી રહે. આ બધું જોતાં યુદ્ધ વહેલું અટકે એવી શક્યતા જણાતી નથી. બોન્ડ યિલ્ડમાં વધારો અને રૂપિયાની નબળાઇ ઉપરાંત એફઆઇઆઇની એકધારી વેચવાલીએ પણ બજારનું માનસ ખરડી રહી છે.

જોકે, ઇક્વિટી માર્કેટ માટે સકારાત્મક આશાવાદ વ્યક્ત કરતાં શેરબજારના પીઢ અભ્યાસુએ જણાવ્યું હતું કે ગ્લોબલ માર્કેટમાં અમેરિકા અને ઇરાન યુદ્ધને કારણે સર્જાયેલા તણાવને લીધે ટૂંકા ગાળામાં અસ્થિરતા આવી શકે છે, પરંતુ લાંબા ગાળામાં ઇક્વિટી બજારની કામગીરી એકંદરે સારી રહેશે.

યુદ્ધની નકારાત્મક અસર લાંબા સમય સુધી ટકતી નથી અને સમયાંતરે સ્ટોક માર્કેટ તેમાંથી બહાર નીકળી જાય છે, એમ જણાવતાં ટીસીજી એસેટ મેનેજમેન્ટના એમડી અને સીઇઓ શાહઝાદ મડોન કહે છે કે ઇક્વિટી માર્કેટ પાછલા દાયકાઓમાં યુદ્ધો અને કુદરતી આપદાઓમાંથી પસાર થયું છે અને પાર ઉતરી ગયું છે. નોંધવું રહ્યું કે ટીસીજી ગ્રુપ ૭.૨ અબજ ડોલરના ચેટર્જી જૂથનો હિસ્સો છે.

મ્યુચ્યુઅલ ફંડ સહિત વિવિધ ટોચની સંસ્થાઓમાં કામ કરી ચૂકેલા, ફાઇનાન્સિયલ સર્વિસ સેકટરમાં ૩૦ વર્ષથી વધુ અનુભવ ધરાવતા શાહઝાદ મડોને આ સંદર્ભે તાજેતરના યુક્રેન-રશિયા યુદ્ધના ઉદાહરણને ટાંકતા જણાવ્યું કે બજારોએ આ યુદ્ધ હજુ ચાલી રહ્યું હોવા છતાં તેની અસરને પચાવી લીધી છે. 

તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અથવા કેવું સ્વરૂપ ધારણ કરશે એ કહેવું કોઇને પણ માટે મુશ્કેલ છે, છતાં એમ કહી શકાય કે લાંબાગાળે ઇક્વિટી માર્કેટ સારુ વળતર આપશે.

સેન્સેક્સના શેરોમાં લાર્સન એન્ડ ટૂબ્રો, ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક, ભારત ઇલેક્ટ્રોનિક્સ, મારુતિ સુઝુકી અને અન્ટ્રાટેક સિમેન્ટ ટોપ લૂઝર રહ્યાં હતાં. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર અને ભારતી એરટેલમાં સુધારો જોવા મળ્યો હતો. મોટાભાગના સેગમેન્ટમાં વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી સેક્ટરલ સૂચકાંકોમાં વ્યાપક નબળાઈ જોવા મળી હતી. . 

Comments

Popular posts from this blog

Beware, non-veg milk is coming

Neela Rathore Soni re-elected as BJP's publicity chief

INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ