રાજકોટમાં બનશે રૂ.૪૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ
*વિશ્વના સૌથી મોટા ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ દ્વારા દેશભરમાં 151 કરોડ વૃક્ષારોપણ અને સંવર્ધનનો વિશ્વવિસ્તૃત અભિયાનની જાહેરાત; સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મહારાષ્ટ્રમાં પ્રારંભિક 3 કરોડ વૃક્ષોનું વાવેતર*
*5,000 વૃદ્ધોને આશ્રય આપવા માટે રૂ. 400 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ સંકુલ બની રહ્યું છે.*
~ મહારાષ્ટ્ર અને દેશના અન્ય તમામ ભાગોમાંથી વંચિત, નિઃસંતાન, ગરીબ અને બીમાર વૃદ્ધોને સંપૂર્ણ નિઃશુલ્ક સેવા
~ કાર્યક્રમને સમર્થન આપવા પૂજ્ય મોરારી બાપુની રામકથા 22 થી 30 નવેમ્બર દરમિયાન ઘાટકોપરમાં
~ MLA શ્રી પરાગભાઈ કિશોરભાઈ શાહ અને પરિવાર “મનોરથી” તરીકે સેવા આપશે
~ વિનુભાઈ તથા હસુભાઈ બચુભાઈ નાગ્રેચા (લંડન) તરફથી નવા પ્રોજેક્ટ માટે રૂ. 108 કરોડનું દાન
Posted by Niilesh waghela
*મુંબઈ: વૃદ્ધ સેવા અને પર્યાવરણ કેન્દ્રિત સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા રાજકોટ સ્થિત વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમે સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવવા અને સંવર્ધન કરવાની વિશાળ પ્રોજેક્ટ ની જાહેરાત કરી છે.
સાથે જ રાજકોટ–જામનગર રોડ પર રામપર ખાતે સાત ટાવર અને 11-માળની ઇમારતોના નિર્માણ સાથે રૂ. 400 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ બની રહ્યું છે.
સદભાવના વૃદ્ધાશ્રમના સ્થાપક અને ‘ગ્રીન મેન’ અને ‘વન પંડિત’ તરીકે જાણીતા શ્રી વિજયભાઈ ડોબારિયા અને સલાહકાર શ્રી મિતલ ખેતાણી સહિતના સભ્યો દ્વારા આજે મુંબઈ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં આ બે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ની જાહેરાત કરવામાં આવી. આ અવસર પર શ્રી હસુભાઈ નાગ્રેચા, શ્રીમતી ઊમીબેન રાડીયા, શ્રી ધીરેન્દ્ર કાનાબાર, શ્રી ગોવિંદ ભાનુશાળી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા.
આ પ્રસંગે હસુભાઈ નાગ્રેચા એ જણાવ્યું હતું કે અમારા માટે આ ખૂબજ ખુશી નો અવસર છે અને અમે અમારું જીવન સફળ થયા ની લાગણી અનુભવીએ છીએ. સાથે ઉમીબેન રાડીયા એ જણાવ્યું કે અમારા સ્વર્ગસ્થ ભાઈ શ્રી વિનુભાઈ નો આત્મા આ પુણ્યકાર્ય થકી વર્ષો સુધી અમર રહેશે. હજારો નિરાધાર વડીલોના આશીર્વાદ સ્વર્ગસ્થ વિનુભાઈ ના આત્મા ને મળતા રહેશે.
સદભાવના વૃદ્ધાશ્રમે નવા વૃદ્ધાશ્રમના વિસ્તરણ માટે રૂ. 108 કરોડનું ઉદાર દાન આપનાર હસુભાઈ નાગ્રેચા અને ઊમીબેન રાડીયા (લંડન) ના પરિવરને સન્માનિત કર્યા. આ બંને વિશાળ પ્રોજેક્ટમાં સદભાવના વૃદ્ધાશ્રમની પર્યાવરણ સેવાની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે લઇ જવામાં આવશે, જેમાં 151 કરોડ વૃક્ષારોપણ કરવાની યોજના છે, જેમાંથી માત્ર મહારાષ્ટ્રમાં પ્રારંભિક 3 કરોડ વૃક્ષો વાવવામાં આવશે. વૃદ્ધાશ્રમના નવા વિસ્તરણ પછી સમગ્ર ભારતમાંથી નિરાધાર, વિકલાંગ, નિઃસંતાન, અવગણના પામેલા અને નિરાશ્રિત વૃદ્ધોને આધુનિક સુવિધાઓ સાથે સંપૂર્ણ નિઃશુલ્ક આવાસ અને આરોગ્ય સેવા મળશે. 1,400 રૂમ અને આધુનિક પૂર્વાધાર સાથે 5,000થી વધુ પથારીવશ અને નિરાધાર વૃદ્ધોની જીવનભર સેવા માટે આ વિશ્વની સૌથી મોટી ક્ષમતા ધરાવતું વૃદ્ધાશ્રમ ગણાય છે.
નવા વૃદ્ધાશ્રમ સંકુલના નિર્માણ માટે લંડનસ્થિત વિનુભાઈ બાચુભાઈ નાગ્રેચા (હસુભાઈ નાગ્રેચા અને ઉર્મીબેન રાડીયા) ના પરિવારે રૂ. 108 કરોડનું ઉદારહાથે દાન આપ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમના પ્રયાસોને સમર્થન આપવા અને સમગ્ર દેશમાં હરિયાળી ફેલાવવા પૂજ્ય સંત મોરારી બાપુની ‘માનસ વંદે માતરમ’ રામકથા આચાર્ય અત્રે મેદાન, ઘાટકોપર ખાતે શનિવાર, 22 નવેમ્બર થી રવિવાર, 30 નવેમ્બર સુધી રોજ સવારે 10 વાગ્યાથી યોજાશે. આ પવિત્ર કાર્યક્રમના મનોરથી – મુખ્ય યજમાન – મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય શ્રી પરાગભાઈ કિશોરભાઈ શાહ અને તેમનો પરિવાર રહેશે.
આ કાર્યક્રમોની જાહેરાત કરતાં શ્રી વિજય ડોબારિયાએ જણાવ્યું: “છેલ્લા દસ વર્ષમાં અમે 1.10 કરોડ વૃક્ષો વાવ્યાં અને સાચવ્યાં છે; જેમાં 40 લાખ પીંજરા સાથે વૃક્ષો અને 70 લાખ વૃક્ષોના મિયાવાંકી ટેકનિકથી ઉગાડવામાં આવેલા વનોનો સમાવેશ થાય છે.
હવે અમે સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષોને વાવી અને પોષણ કરવાનો સંકલ્પ લીધો છે. તેમજ વૃદ્ધોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં લઇને રાજકોટમાં સાત ટાવર 11-માળની ઇમારતો વડે નવા વૃદ્ધાશ્રમ સંકુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.” 15 એકર વિસ્તારમાં ફેલાયેલું આ આધુનિક વૃદ્ધાશ્રમ મંદીર, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી, એક્સર્સાઇઝ એરિયા, યોગા હોલ, મેડિકલ સેન્ટર, બગીચા અને કોમ્યુનિટી હોલ જેવી તમામ સુવિધાઓ સમાવેશ સાથે સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવશે. વૃક્ષારોપણ અંગે શ્રી ડોબારિયાએ વધુમાં ઉમેર્યું, “અમારો સંકલ્પ છે કે ગુજરાતમાં 15 કરોડ અને સમગ્ર ભારતમાં 151 કરોડથી વધુ વૃક્ષો વાવવાના અને તેની સંભાળ રાખવાની. આવનારા સમયમાં સરકાર, સંસ્થાઓ, દાતાઓ, સ્વયંસેવકો અને કંપનીઓના સહકારથી પૂરા ભારતમાં વૃક્ષો વિકસાવવામાં આવશે.” આ અનોખી પહેલ અંગે સલાહકાર શ્રી મિતલ ખેતાણીએ જણાવ્યું: “વૃક્ષ વાવવું સહેલું છે, પરંતુ તેની સંભાળ રાખવી મુશ્કેલ છે. અમારી સંસ્થા વાવેલા દરેક વૃક્ષનો સંપૂર્ણ જવાબ લે છે અને તેની યોગ્ય રક્ષા અને પાણી આપવાની વ્યવસ્થા કરે છે. સાથે જ નિઃસંતાન, વિકલાંગ, પથારીવશ અને નિરાશ્રિત વૃદ્ધોને આધુનિક, સન્માનપૂર્ણ અને નિઃશુલ્ક આશ્રય ઉપલબ્ધ કરાવશે.”
*સદભાવના વૃદ્ધાશ્રમ વિશે:*
રાજકોટમાં આવેલું સદભાવના વૃદ્ધાશ્રમ વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે, જે નિરાધાર, નિઃસંતાન અને બીમાર વડીલોને આયુષ્યભર સંપૂર્ણ નિઃશુલ્ક સેવા પૂરું પાડે છે. છેલ્લા દસ વર્ષથી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ વૃદ્ધાશ્રમે અત્યાર સુધી 700થી વધુ નિરાશ્રિત વૃદ્ધોને આશ્રય આપ્યો છે, જેમાંથી 300 વૃદ્ધો પથારીવશ છે. ઉપરાંત, વૃદ્ધાશ્રમ વૃક્ષારોપણ, બળદ આશ્રમ, ડૉગ શેલ્ટર, પ્રાણીઓ માટેની હોસ્પિટલ અને મફત મેડિકલ સેવાઓ જેવી અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ ચલાવે છે.
નવા વૃદ્ધાશ્રમ સંકુલમાં કુલ 7 ટાવર હશે. દરેક ટાવરમાં 200 રૂમ અને દરેક માળે સત્સંગ હૉલ અને મનોરંજન કક્ષ સહિતની સુવિધાઓ રહેશે. પથારીવશ વૃદ્ધોની 24×7 સંભાળ માટે કેઅરટેકર્સની વિશાળ ટીમ પણ તૈનાત કરવામાં આવશે. તમામ માળ અને જગ્યા વ્હીલચેર સુવિધા હશે. દરેક રૂમમાં યોગ્ય હવા, પ્રકાશ અને હરિયાળીનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ આધુનિક સંકુલમાં દેશના કોઇપણ ખૂણામાંથી આવતા 5,000થી વધુ નિરાધાર, બીમાર અને વિકલાંગ વૃદ્ધોને આશ્રય, આરોગ્ય સેવા અને સન્માન મળશે.

Comments
Post a Comment