INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ
Posted by Nilesh waghela
મુંબઇ: ભારતના કેસરીયા ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની તો ઠીક તેના શેરબજારની હાવત પણ ખરાબ કરી નાંખી અને તેને લોહીલૂહાણ કરીને લાલ રંગે રંગી નાંખ્યું.
બુધવારે સમગ્ર ઉપખંડમાં ટ્રેડિંગ સ્ક્રીનો પર ઓપરેશન સિંદૂરનો રંગ સ્પષ્ટ રીતે વિભાજીત થયો હતો, કરાચીમાં તે લોહીયાળ લાલ અને મુંબઈમાં શાંત હરિત બન્યો હતો.
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેન્દ્રો પર ત્રિપાંખિયો હુમલો શરૂ કર્યો ત્યારે, પાકિસ્તાનનો બેન્ચમાર્ક કેએસઇ-૧૦૦ ઇન્ડેક્સમાં છ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો,
જ્યારે ભારતીય શેરબજારો શરૂઆતના ભયને દૂર કરીને અંતે પોઝિટવિ ઝોનમાં આગળ વધ્યા હતા, જે સ્થાનિક બજારમાં રોકાણકારોના વિશ્વાસનો સંકેત આપે છે.
પાકિસ્તાનના આતંકવાદી કેન્દ્રો પર ભારતના હુમલા બાદ, પાકિસ્તાની બજારોમાં ધબડકો બોલાઇ ગયો હતો, જે એ નાપાક દેશની આર્થિક નબળાઈઓને પ્રતિબિંબિત કરે છે. તેનાથી વિપરીત, ભારતીય બજારો શરૂઆતમાં ઘટ્યા પરંતુ ઝડપથી સુધર્યા, રોકાણકારોના મજબૂત વિશ્ર્વાસ અને મજબૂત આર્થિક સંભાવના દર્શાવે છે.
આ તફાવત બંને અર્થતંત્રો વચ્ચે જોખમ અને સ્થિતિસ્થાપકતાની અલગ અલગ ધારણાઓને પ્રકાશિત કરે છે, જેમાં ભારતની આર્થિક સક્ષમતા દેખાય છે અને પાકિસ્તાન આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે.
ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવતા ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી બુધવારે પાકિસ્તાનનો બેન્ચમાર્ક કેએસઇ-૧૦૦ ઇન્ડેક્સ ૫.૫૦ ટકાથી વધુ તૂટી ગયા હતો.
જોકે પાછળથી તેમાં થોડો સુધારો થયો, પરંતુ અંતે પણ ધબડકો ૩૦૦૦ પોઇન્ટથી મોટો રહ્યો હતો. આ ઓપરેશન ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા.
પાકિસ્તાનમાં પ્રારંભિક કામકાજમાં કેએસઇ-૧૦૦ ઇન્ડેક્સ ૬,૨૭૨ પોઇન્ટ અથવા ૫.૫૦ ટકા ઘટીને ૧૦૭,૨૯૬ પોઇન્ટના સ્તરે પટકાઇ ગયો હતો, જે ૨૦૨૧ પછીનો સૌથી મોટો કડાકો છે. ઉપરાંત એ નોંધવું રહ્યું કે, ૨૩ એપ્રિલથી અત્યાર સુધીમાં આ ઇન્ડેક્સ કુલ ૯,૯૩૦ પોઇન્ટ ગુમાવી ચૂક્યો છે.
Comments
Post a Comment