The holy month of religious festivals, 〜❋〜 મહા માસ 〜❋〜
〜❋〜 મહા માસ 〜❋〜
- ડૉ. જયા મણવર
પ્રાચીનવાત જ્યારે જાણીએ ત્યારે પ્રતીતિ થાય કે પહેલાના સમયમાં જીવન આધુનિક ટેકનોલોજી વિનાનું અને યંત્રવત ન હતું ત્યારે મનુષ્ય પ્રકૃતિની ખૂબ નજીક હતો. પ્રકૃતિ સાથે વાતો કરતો, પ્રકૃતિમાં આવતા પરિવર્તન અને તેના સૌંદર્યને ભરપૂર માણી શકતો. આ બાબતની પ્રતીતિ ઋતુઓ અનુસાર થતી તહેવારની ઉજવણીઓ કરાવે છે.
પૌરાણિક કથાઓમાં વસંતનો અનેરો મહિમા છે. વસંતઋતુને કામદેવના પુત્ર તરીકે વર્ણવવામાં આવે છે, વસંતઋતુના વર્ણનમાં શાસ્ત્રકારો લખે છે કે રૂપ અને સૌંદર્યના દેવતા કામદેવના ઘરે પુત્ર જન્મના સમાચાર સાંભળી પ્રકૃતિ પૂરબહાર ખીલી ઊઠે છે.
કવિઓ તો વસંતને “યૌવન” ગણાવે છે. ખરા અર્થમાં વસંતઋતુ એટલે ભારતવર્ષનો વેલેન્ટાઇન દિવસ ગણાય છે. આપણા મનમાં પ્રેમની સ્ફૂરણા થાય છે. પ્રેમાભિવ્યક્તિ રજૂ કરવા માટે ખૂબ સરસ સમય કુદરતે આપ્યો છે. વસંતોત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ! વસંતપંચમીથી વસંત પ્રવૃત થાય છે, જીર્ણ છોડીને નવ પલ્લવિત થવાનો ઉલ્લાસ હોય છે.
એક બાજુ જ્યાં પ્રેમવિહાર, શ્રુંગાર અને જીવનને પૂરબહારમાં, ભરપૂર માણવાનો સંદેશ આપે છે તો બીજી તરફ માતા સરસ્વતીના આ પ્રાગટ્યદિને જ્ઞાન, બુદ્ધિ, વાણી, વિવિધ કળા, સાહિત્ય, સંગીત વગેરેથી સભર થઈને વિવેકપૂર્ણ જીવનની યથાર્થતાનો ઇશારો કરે છે. શાસ્ત્રીય સંગીત પરંપરામાં વસંતનું સન્માન કરીને તેના નામે “રાગ વસંત” નું નિર્માણ થયેલ છે. ગુજરાતી સાહિત્યમાં “વસંતવિલાસ” નામની પ્રસિદ્ધ રચના છે. અનેક ચિત્રશૈલીમાં પણ “વસંત રાગ”નું મહત્વ દર્શાવતી અનેક ચિત્રકૃતિઓ જોવા મળે છે.
શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતાના વિભૂતિયોગમાં કહ્યું છે કે, “ઋતુનાં કુસુમાકર” અર્થાત્ “ઋતુઓમાં હું વસંત છું.” સ્વયં કૃષ્ણ જેને પોતાની વિભૂતિ ગણાવે છે એ ઋતુરાજ વસંત છે અને વસંતઋતુનું પ્રવેશદ્વાર એટલે વસંતપંચમી. વસંતપંચમી એક અનેરું પર્વ છે. મહાસુદ એકમથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થાય છે, મહાસુદ પાંચમને વસંતપંચમી તથા જ્ઞાનપંચમી કહેવાય છે. વસંતપંચમી એટલે વિદ્યાદેવી માતા શારદાદેવીનો પ્રાદુર્ભાવનો દિવસ, વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો.
મહાઅષ્ટમી દુર્ગા પૂજા અને ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિવસ છે. મૂળ પ્રકૃતિ સૃષ્ટિની રચના કરવા માટે પાંચ રૂપમાં વિભાજીત થયેલી. કહેવાય છે કે સહુ પ્રથમ શ્રીકૃષ્ણે માતા સરસ્વતીની પૂજા કરી હતી, દેવતાગણ, મુનિઓ, સનકાદિક અને માણસો સરસ્વતીની વિશેષ પૂજા કરે છે. પ્રાચીન સમયમાં આ દિવસે વિદ્યાલયો, ગુરુકુળો, ઋષિઆશ્રમો જેવા સ્થળો સરસ્વતી વંદનાથી ગુંજતા હતા અને વિદ્યાર્થીઓ, વિદ્વાનો, વિવિધ કળાના સાધકો અનુષ્ઠાન કરતા. આજે પણ આ પરંપરા અનેક જગ્યાએ જીવિત છે અને અનેક જગ્યાએ સારસ્વત મહોત્સવ ઉજવાય છે.
કહેવાય છે વસંતપંચમીના દિવસે શબરી અને રામનો મિલાપ થયેલો, શીખ પરંપરાના ગુરુ ગોવિંદસિંહના લગ્ન થયેલાં, રાજા ભોજ પ્રીતિભોજનું આયોજન કરીને સમગ્ર પ્રજાને ચાલીસ દિવસ સુધી પ્રેમપૂર્વક જમાડતા હતા. વર્ષભરના અતિ મહત્વના મૂહર્તમાં વસંતપંચમી વણજોયું મૂહર્ત ગણાય છે. આ દિવસે તમામ પ્રકારનાં શુભ કાર્યો, લગ્ન, વેવિશાળ, વાસ્તુ, ગૃહપ્રવેશ, વિદ્યારંભ જેવા કોઈ પણ કાર્યો પંચાગ કે મૂહર્ત જોયા વિના કરી શકાય છે.
મકરસંક્રાતિએ કૃષક તહેવાર છે અને મોટા ભાગે 14મી જાન્યુઆરીએ આવે છે. હળીમળીને સંયુક્ત રીતે માણવાનો તહેવાર છે. પતંગ મહોત્સવ પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્ય પ્રકાશ શરીર માટે લાભદાયક છે એટલે ઉત્સવ સાથે આરોગ્યનો પણ લાભ મળે છે. વળી, સૂર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે. સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતરિત થાય છે.
દક્ષિણાયન કરતા ઉત્તરાયણ શુભ હોવાની માન્યતાએ ભીષ્મ પિતામહે આ દિવસે દેહોત્સર્ગ કરેલો. સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર કાશીમાં સત્યની કસોટીએ ખરા ઊતરેલા. એક કથાનુસાર ગંગાજી ભગીરથની પાછળ ચાલીને કપિલમુનિના આશ્રમથી પસાર થઈને સાગરમાં મળી ગયા. ભગીરથે પોતાના પૂર્વજો માટે તર્પણ કરેલું, આ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે.
સત્ સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ ભગવાન મહાદેવને શાસ્ત્રો અને પુરાણોમાં આદિદેવ મહાકાલ તરીકે વર્ણવવામાં આવેલ છે. ત્રિલોકમાં શિવ અલૌકિક છે, મહા માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી એ નિરાકાર સ્વરૂપે પ્રગટ થયા હતા. આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે વિષ્ણુ તથા બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પણ બનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યા નહીં. ત્યારબાદ દેવાધિદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા, પોતાનો પરિચય આપ્યો અને વિષ્ણુને શ્રેષ્ઠ દેવ કહ્યા. એક માન્યતાનુસાર મહાશિવરાત્રીના રોજ વિવિધ સ્થળે સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને ધ્રુણેશશ્વર આ બાર જયોતિર્લિંગ સ્વરૂપે દર્શન થયેલા, એ ખુશીમાં પણ મહા શિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. (આ બાર જ્યોતિર્લિંગની કથા અલગ છે) રાતના ચારેય પ્રહરમાં જાગરણ કરી વ્રત કરવામાં આવે છે. આ રાતે શિવ પાર્વતી એક સાથે ભ્રમણ કરે છે અને જીવસૃષ્ટિ પર કલ્યાણકારી કૃપા વરસાવે છે. આ પર્વ સાથે હરણ અને પારધીની કથામાં હરણ પરિવારની મુક્તિ તથા પારધીની પાપમુક્તિમાં શિવનો કલ્યાણભાવ જોવા મળે છે.
મહાશિવરાત્રિના શિવ અને પાર્વતીનાં લગ્ન થયા હતા, એ અનુસંધાને ઘણા મંદિરોમાં શિવ વિવાહ સંબધિત પરંપરાનું પાલન કરવામાં આવે છે. ભાંગનાં ભોગી, બીલીપત્ર પ્રિય અને ધતુરાના ફૂલને સ્વીકૃત કરતા ભગવાન શિવને અતિમાન કે અભિમાની મંજૂર નથી. દેવતાઓને વશમાં કરનાર રાવણને પણ તેમણે જ વશમાં રાખ્યો, વૈરાગ્યના શતક” ના કર્તા ભતૃહરીની કસોટીઓ લીધી હતી. ભતૃહરી ત્યાગી અને સંત બન્યા, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા, પણ જ્યાં સુધી વૈરાગ્યનું અભિમાન રહયું ત્યાં સુધી શિવ તેમનાથી દૂર રહયા. ભક્તને ભક્તિનું જ્યાં સુધી ધમંડ રહે ત્યાં સુધી શિવને ભક્તિ, પૂજા કે ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને આ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.
મહા મહિનામાં વસંતપંચમી, ઉત્તરાયણ, શિવરાત્રી જેવા પર્વો આવે છે. તીર્થ સ્થાન, વ્રત અને પર્વ પોઝીટિવિટી વધારે છે. રાગ, ફાગ, વિતરાગ તેમજ સ્નાન, દાન પૂણ્ય કરીને તથા છડેલા ધાનનો ખીચડો, તલ, મગફળી વગેરેના ચીકી કે લાડુ ખાઈને, સૂર્યપ્રકાશ મેળવીને તન, મન અને ધને આરોગ્યસંપતિની સંભાળ રાખવાના તહેવારો એટલે વસંત પંચમી, શિવરાત્રી અને ઉત્તરાયણ છે અને આ અર્થમાં ફાગ અને રાગતત્વ, આરોગ્યતત્વથી વીતરાગતત્વ સુધીના મનુષ્યજીવનની ઊર્ધ્વતાના વિવિધ તબક્કાઓ જોવા મળે છે, જે કલ્યાણકારી શિવત્વ પ્રત્યે અગ્રેસર કરે છે.
Comments
Post a Comment