The Bombay Grain Dealers Association; અનાજ- કરીયાણાના રિટેલર્સનું સંગઠન આક્રમક મૂડમાં
અનાજ- કરીયાણાના રિટેલર્સનું સંગઠન આક્રમક મૂડમાં
અનાજ-કરીયાણાના ભાવ વધારા માટે રીટેલ દુકાનદારો જવાબદાર નથી: ગ્રેન ડીલર્સ
Posted by Nilesh Waghela
મુંબઇ: અનાજ કરીયાણાના રીટેલ ભાવોમાં આવેલ ઉછાળા માટે રીટેલ દુકાનદારોના માથે દોષનો ટોપલો ઢોળનારાઓને પ્રત્યુત્તર આપતા ઘી મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસીએશને જણાવ્યું છે કે, રીટેલ દુકાનદારોએ હોલસેલ બજારમાંથી અનાજ-કરીયાણા ના ઉંચા ભાવની ખરીદીના બીલ સાચવી રાખ્યા છે. યોગ્ય સમયે સરકાર સમક્ષ તે રજુ કરવામાં આવશે, જેના આધારે ભાવ વધારા માટે જવાબદાર વ્યક્તિઓ સરકાર અને સામાન્ય જનતા સમક્ષ ખુલ્લા પડી જશે.
આજે જ્યારે રીટેલ દુકાનદારો ઓનલાઇન બિઝનેસ, સુપર માર્કેટ, વગેરેની ગળાકાપ સ્પર્ધાના પડકારોનો સામનો કરી રહ્યા છે, આવા ગળાકાપ હરીફાઇના કપરા સમયમાં તેઓ ભાવ ઘટાડવાને બદલે ઊંચા ભાવ લેવા માંડે એ તર્ક વિરૂદ્ધ હોવાનું જણાવતાં સંસ્થાના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ કહ્યું હતું કે, મુંબઇ જેવા શહેરમાં તોતિંગ ખર્ચાઓ અને નફાના નજીવા માર્જીનને કારણે રીટેલ દુકાનદારોને અનાજ- કરીયાણાનો ધંધો કરવો હવે પરવડતું નથી.
દુકાનના ભાડા, લાઇટબીલ, દુકાનની જાળવણીનો ખર્ચ, જુદી-જુદી લાયસન્સ ફી, માણસોના પગાર, વર્ગણીઓ, વગેરે અનેક ખર્ચાઓને કારણે અનાજના રીટેલ દુકાનો દિન-પ્રતિદિન બંધ થઇ રહ્યા છે. જ્યારે પણ રીટેલ બજારમાં અનાજના ભાવો વધે તો તે માટે હંમેશા રીટેલ દુકાનદારોને જવાબદાર ઠેરવનારાઓને ખુલ્લા પાડવાનું અમારી સંસ્થાએ આ વખતે નક્કી કર્યું છે એમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.
સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે, હોલસેલ બજારમાંથી સરકારને સૌથી હલકી ક્વોલીટીના માલના ભાવ આપવામાં આવે છે. આ કવોલીટીનો માલ સામાન્ય જનતા ખરીદતી પણ નથી. મિડીયમ અને સારી ક્વોલીટીના માલ હોલસેલ બજારમાં જ બે-ત્રણ મથાળા ફર્યા બાદ હજુ વધી જાય છે અને રોટેલ દુકાને પહોંચ્યા બાદ તેના પર માત્ર ૮ થી ૧૦ ટકા ચડાવી રીટેલ દુકાનદાર ગ્રાહકને માલ વેંચતો હોય છે.
સ્વાભાવિક છે કે હોલસેલ બજારમાં પહેલા વેપારીએ ખરીદેલ હલકી ક્વોલીટીના માલના ભાવ અને રીટેલ દુકાનદારે ગ્રાહકને વેંચેલ સારી કવોલીટી (બે-ત્રણ મથાળા ફરેલ માલ)ના માલના ભાવમાં નોંધનીય તફાવત આવે. સરકારે અને ગ્રાહકોએ આ છેતરામણી સમજવી જરૂરી છે. જો ગ્રોેમાના વેપારીઓ સંસ્થાના ધારા-ધોરણો મુજબ વેપાર નહીં કરશે તો હોલસેલ અને રીટેલ વેપારીઓને બંનેને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ભૂતકાળમાં જયારે પણ બજારભાવી વધ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનોમાંથી રીટેલ બજારોમાં અનાજ મોકલાવતા બજાર ભાવ કાબુમાં આવે છે, કારણકે રીટેલ દુકાનદાર ઓછો કિંમતનો લાભ સીધો જ ગ્રાહકોને આપે છે. છેવટે રોટેલ દુકાનદારને પણ બજારમાં ટકી રહેવાનું છે. દુકાનદારની જરૂરીયાત મુજબ એક કે બે ટન ઘઉં અને ચોખા જો એફ.સી,આય. ગોડાઉનમાંથી સીધા જ રીટેલ દુકાને આવે તો જનતાને મોંઘવારીમાં ખૂબ જ રાહત તાત્કાલિક ધોરણે થશે.
Comments
Post a Comment