Budget & Gold: બજેટના એક દિવસ પહેલા સોનું ઉછળ્યું: આગળ શું?
બજેટના એક દિવસ પહેલા સોનું ઉછળ્યું: આગળ શું થશે?
Posted by Nilesh waghela
મુંબઈ: બજેટના એક દિવસ પહેલા, શુક્રવાર, જાન્યુઆરી 31, 2025ના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જવેલર્સ આયાત જકાત ઘટાડવા અપીલ કરી રહ્યા છે ત્યારે બજેટના એક દિવસ પહેલા સોનું મોંઘુ થઈ ગયું છે. એવી ધારણા છે કે સરકાર આવતીકાલે 1 ફેબ્રુઆરી 2025ના બજેટમાં સોના પરની આયાત ડ્યૂટી વધારી શકે છે, જે સરકારે અગાઉના બજેટમાં ઘટાડી હતી.
જો આમ થશે તો સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. આજે બજેટના એક દિવસ પહેલા 24 અને 22 કેરેટ સોનાની કિંમત લગભગ ૮૦૦ રૂપિયા મોંઘી થઈ ગઈ છે.
મુંબઇ ખાતે શુદ્ધ સોનું રૂ. ૭૮૦ના ઉછાળા સાથે રૂ. ૮૧,૭૫૭ બોલાયું છે જ્યારે ચાંદી રૂમ ૧૩૪૯ ઉછળી ને રૂ. ૯૪,૫૩૩ બોલાઈ છે. ચાંદીમાં બે દિવસમાં રૂ. ૩૦૦૦ વધ્યા છે.
બજેટ 2025 પહેલા સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ રોકાણકારો અને સામાન્ય ખરીદદારોની વધતી માંગ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને અમેરિકન નીતિઓમાં ફેરફારને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે વધુ સોનું ખરીદી રહ્યા છે. આ વધતી માંગને કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વ્યાજદરમાં ઘટાડો થાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા યથાવત રહેશે તો સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનું આશરે રૂ. 200 વધીને રૂ. 83,180 પ્રતિ 10 ગ્રામ પર રહ્યું, જ્યારે 22 કેરેટ સોનું રૂ. 76,260 પ્રતિ 10 ગ્રામ પર રહ્યું. ગઈકાલની સરખામણીમાં 22 કેરેટ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 83,030 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 76,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
ભારતમાં લગ્ન અને તહેવારો દરમિયાન સોનાની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. આ માંગને કારણે આગામી મહિનાઓમાં ભાવ વધુ વધી શકે છે. જો બજેટમાં આયાત ડ્યુટી વધારવામાં આવે તો તેની સીધી અસર સોનાની કિંમતો પર પડશે જેના કારણે તે વધુ મોંઘુ થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બજેટ બાદ જૂન સુધીમાં સોનું રૂ.85,000ના સ્તરે પહોંચી શકે છે.
Comments
Post a Comment