ઇડરના લિંબચિયા સમાજ દ્વારા નારી સમ્માનનું અનોખું આયોજન
સ્વયંભૂ સમ્માન: મહિલા દિને નારી દ્વારા નારીઓના સમ્માનનું અનોખું અને સુંદર આયોજન
NILESH WAGHELA
મુંબઇ: વિશ્વની પ્રત્યેક મહિલા સમાજને અદભુત યોગદાન આપે છે, જેનું મૂલ્ય આંકી શકે એમ ના હોવા છતાં સમાજે તેમના પ્રોત્સાહન અને કડર્ન ભાગરૂપે તેમનું સમ્માન કરવું જરૂરી હોવાના વિચાર સાથે સુશ્રી હીનાબેન લીંબચીયાએ મહિલા દિને મલાડ પશ્ચિમ ખાતે ‘સ્વયંભૂ સમ્માન’ના બેનર હેઠળ ગૃહિણીથી માંડીને ઉદ્યોજક નારીઓના સમ્માનના સુંદર અને અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પચાસ મહિલાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય ગૃહિણીઓથી માંડીને ડોકટર અને વકીલ સહિતના હોદ્દા ધરાવતી મહિલાઓ સામેલ હતી.
આ સમારંભના ચીફ ગેસ્ટ તરીકે અક્ષય શક્તિ વેલ્ફેર એસોશિએશનના સીઈઓ ડો. નારાયણ એબી ઐય્યર અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે એલિયા સાર્વત હાઈ સ્કુલ એન્ડ જુનીઅર કોલેજના પ્રિન્સીપાલ મિસ. તરનુમ અહેમદ ઉપસ્થિત રહ્યાં હતાં.
તેમનો એવો સ્પષ્ટ મત છે કે માત્ર ઉચ્ચ શૈક્ષણિક પાત્રતા કે પદ ધરાવતી મહિલાઓના સમ્માન કરવાથી નારી ગૌરવનો મહોત્સવ ઉજવાઈ નથી જતો, સમાજની દરેક સ્તરની સ્ત્રીઓ સમાજને જે યોગદાન આપે છે, તેનો કોઈ જોટો નથી.
અલબત્ત, તેમણે સમાજના ભવિષ્ય એવી યુવા પેઢીની ચાર યુવતીઓનું પણ સમ્માન કર્યું હતું, જેઓ ડૉક્ટર અને વકીલ સહિતના પદ પર પહોંચીને સમાજનું ગૌરવ વધારી રહી છે.
આ યુવા નારીઓમાં ડૉ. હિનલ લિમ્બાચીયા (BHMS) (માસ્ટર્સ ઇન સાયકોલોજીકલ કાઉન્સેલિંગ), ડૉ. ભૂમિ લિમ્બાચીયા (BHMS)(મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગમાં ડિપ્લોમા), સિદ્ધિ લિમ્બાચીયા (CA) અને પ્રિયંકા લિંબાચીયા (BA.LLB)નો સમાવેશ છે.
ઇડર ૨૭ લીમ્બાચીયા સમાજના આ યુવા બહેનોએ પણ હિનાબેનને સમાજની નારીઓના ઉત્કર્ષમાં સહયોગ આપવાની ખાતરી આપી છે.
હીનાબેન કાવ્યાત્મક શૈલીમાં કહે છે...
રસોઈથી રાજકારણ સુધી,
વ્યવહારથી વ્યવસાય સુધી,
મમતાની મૂર્તિથી મહેનતની પરાકાષ્ઠા સુધી,
ચાર દિવારથી, ચાંદ સુધી, આજની મહિલા બધે જ છે,
ક્યાં નથી?
તેમણે મહિલાદિન નિમિત્તે સ્ત્રી સાંજને સંબોધન કરતાં એવો સંદેશ આપ્યો છે કે, આ વાત મારી છે, તમારી છે, દરેક નારીની છે.
તેઓ મહિલાઓને એવો સંદેશ આપે છે કે, બહેનો, દરેક નારીમાં ક્ષમતા સમાન જ હોય છે, પણ તે ક્ષમતાને તે જ સાર્થક બનાવે છે, જે તેને પારખી લે છે અને હિંમત હાર્યા વિના આગળ વધવાનું ચાલુ રાખે છે.
તેમણે કહ્યું હતું કે, તારીખ ૮ માર્ચ મહિલા દિવસ તરીકે ઉજવાય છે, પરંતુ આજે હું ઇડર-૨૭ લીંબચીયા સમાજની બહેનોને ઇજન આપ્યું હતું કે આજથી એક નવા નારી યુગની શરૂઆત કરીએ.
તેમણે નારીઓને પોતાની ક્ષમતા પિછાણવા પર અને તેનો ઉપયોગ કરીને પતન સ્વાવલંબન અને ભવિષ્યના ઉત્કર્ષ માટે ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. તેમનું સૂત્ર છે, સમાજની દરેક નારી આગળ વધે, સમાજ આગળ વધે.
હીનાબેને, ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કવિતાબેન વિરેન્દ્ર લિંબાચીયા, નિવૃતિબેન અભય લિંબાચીયા, અરુણાબેન મનોજ લીંબાચીયા, સોનલબેન પંકજ ભાઈ લીંબાચીયા અને શીતલબેન જીગર લીંબાચીયાનો આ પ્રકારના સામાજિક કાર્યક્રમોમાં હંમેશા સહકાર હોય છે.
કાર્યક્રમ સમાપન વખતે સુરુચિ ભોજન અને નેટ વર્કિંગ દરમિયાન આનંદવિભોર અને ભાવુક થઈ ગયેલી મહિલાઓએ સુંદર આયોજન અને તેમના જ શબ્દોમાં કહીએ તો, પહેલી વખત થયેલા તેમના સમ્માન તથા તેમની થયેલી કદર બદ્દલ હિનાબેનનો આભાર માન્યો હતો, તેમ જ ખુબ શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા.
Comments
Post a Comment