Ayodhya: destination for all businesses
મુંબઇ: રામને નામે સૌ તરી જવા માંગે છે. લગભગ બધી કંપનીઓ અયોધ્યા પહોંચવા તત્પર છે. ભગવાન શ્રી રામ દેશની મોટી કંપનીઓને ઉપયોગી થશે. તેનું કારણ 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. માત્ર 3.5 લાખની વસ્તીવાળા અયોધ્યામાં ‘રામ મંદિર’ ભક્તોના દર્શન માટે ખુલ્લુ મુકાયા બાદ અંદાજે 10 લાખ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચશે. તેથી જુદા-જુદા બિઝનેસ ગ્રૂપને પણ અહીં મોટી તક મળશે.
‘વંદે ભારત’ પ્રીમિયમ ટ્રેન શરૂ કરવામાં આવી
અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યા પહોંચવા માટે ‘વંદે ભારત’ પ્રીમિયમ ટ્રેન પણ શરૂ કરી છે. હવે કોકા-કોલાથી લઈને બિસલેરી, હજમોલાથી લઈને પારલે અને અંબાણી-અદાણીની કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપનીઓ કોઈ તક છોડવા માંગતી નથી.
વિનામૂલ્યે હજમોલાનું કરવામાં આવશે વિતરણ
ડાબર ગ્રુપે તેની લોકપ્રિય બ્રાન્ડ ‘હજમોલા’ને પ્રમોટ કરવા માટે એક રણનીતિ બનાવી છે. 22 ડિસેમ્બરના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આવનાર મહેમાનોને જુદા-જુદા સ્થળ પર ઉપલબ્ધ ભોજનાલય અને ભંડારામાં વિનામૂલ્યે હજમોલાનું વિતરણ કરવામાં આવશે. સાથે જ કંપની અયોધ્યાના તુલસી ઉદ્યાનમાં એક કેન્દ્ર બનાવશે, જ્યાં લોકો ડાબરના અન્ય ઉત્પાદનો અજમાવી શકશે.
કોકાકોલાએ લોન્ચ કરી ‘ટેમ્પલ થીમ’
કોકાકોલાએ ‘ટેમ્પલ થીમ’ લોન્ચ કરી છે. અત્યાર સુધી કંપની તેની બ્રાન્ડિંગમાં હંમેશા લાલ કલરનો ઉપયોગ કરતી હતી, પરંતુ હવે કંપનીએ તેના બદલે બ્રાઉન થીમમાં બ્રાન્ડિંગ લોન્ચ કર્યું છે. કંપનીએ ‘રામ મંદિર’ તરફ જતા રસ્તાઓ પર 50થી વધારે વેન્ડિંગ મશીન લગાવ્યા છે. આ ઉપરાંત અયોધ્યામાં 50 વધારે વેન્ડિંગ મશીન પણ લગાવવામાં આવી શકે છે.
અદાણી-અંબાણી પણ પહોંચ્યા અયોધ્યા
મુકેશ અંબાણીની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ અને ગૌતમ અદાણીની ‘ફોર્ચ્યુન’ બ્રાન્ડ પણ અયોધ્યા પહોંચી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અયોધ્યામાં તેની ‘કેમ્પાકોલા’ બ્રાન્ડનું માર્કેટિંગ કર્યું છે. આ સાથે જ કંપની ‘ઈન્ડિપેંડેંસ’ બ્રાન્ડને પણ પ્રમોટ કરી રહી છે. અદાણી વિલ્મર તેની ‘ફોર્ચ્યુન’ બ્રાન્ડ પ્રોડક્ટ્સને પ્રમોટ કરી રહી છે. ITC અયોધ્યામાં તેની ‘મંગલદીપ’ અગરબત્તી બ્રાન્ડને પ્રમોટ કરી રહી છે.
Comments
Post a Comment