અદાણી જૂથના શેરો ફરી એએસએમની જાળમાં
સર્વેલન્સ યંત્રણાની જાહેરાત છતાં અદાણી જૂથના અમુક શેરમાં અપર સર્કિટ!
મુંબઇ: અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર અને અદાણી વિલ્મરને ગુરૂવારથી નેશનલ સ્ટોક એક્સચેન્જના ટૂંકા ગાળાના વધારાના સર્વેલન્સ મેઝર્સ (એએસએમ) ફ્રેમવર્ક હેઠળ સામેલ કરવામાં આવ્યા છે. એક્સચેન્જ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, અદાણી ગ્રીન એનર્જી અને એનડીટીવી શેર એનએસઇના લાંબા ગાળાના એએસએમ ફ્રેમવર્કના સ્ટેજ-ટુ પર ખસેડવામાં આવશે.
અદાણી એન્ટરપ્રાઇઝિસને એક્સચેન્જના એએસએમમાંથી બાકાત રાખવાની જાહેરાત થયાના બે દિવસ બાદ આ અપડેટ આવ્યું છે. સર્વેલન્સ ફ્રેમવર્કમાં કંપનીઓના શેર ઉમેરવાનો નિર્ણય છેલ્લા કેટલાક સત્રોમાં શેરના ભાવમાં થયેલા ભારે ઉછાળાને પગલે લેવામાં આવ્યો છે.
યુએસ ફાઇનાન્શિયલ ફોરેન્સિક રિસર્ચ ફર્મ, હિંડનબર્ગ રિસર્ચના કથિત અહેવાલને પગલે અદાણી જૂથના શેરોમાં સર્જાયેલી તીવ્ર અસ્થિરતાને ઘટાડવા માટે ગયા મહિને, અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ અને અંબુજા સિમેન્ટને પણ ટૂંકા ગાળાના વધારાના સર્વેલન્સ માપદંડ હેઠળ મૂકવામાં આવ્યા હતા. જો કે, બંને કંપનીઓને ૧૩ ફેબ્રુઆરીએ ફ્રેમવર્કમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
સ્ટોક એક્સચેન્જ એનએસઇ દ્વારા વધારાની સર્વેલન્સ મિકેનિઝમ (એએસએમ) લાદવામાં આવ્યા પછી અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેર ગુરૂવારના પ્રારંભિક સત્રમાં બીએસઇ પર ત્રણ ટકાથી મોટા ઘબડકા સાથે રૂ. ૧,૯૫૦ બોલાયો હતો, જે પાછળથી ૪.૨૪ ટકાના કડાકા સાથે રૂ.૧૯૫૩.૧૦ની સપાટીએ સ્થિર થયો હતો.
જોકે એ પણ નોંધવું રહ્યું કે, એએસએમની જાહેરાત પછી પણ સવારના સત્રમાં આ ઉદ્યોગ જૂથના અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેર પાંચ ટકાની અપર સર્કિટ પર પહોંચ્યા હતા. અદાણી વિલ્મરમાં જોકે સુધારો ધોવાયો હતો અને તે ૨.૮૯ ટકાના સુધારા સાથે રૂ. ૪૭૪.૫૦ની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, સવારના સત્રમાં અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી પણ ૫ાંચ ટકાની અપર સર્કિટને સ્પર્શી ગયા હતા.
-----
Comments
Post a Comment