Hotel industry in trouble: મહારાષ્ટ્રનો હૉસ્પિટાલિટી ઉદ્યોગ પડી ભાંગવાને આરે
મહારાષ્ટ્ર અભૂતપૂર્વ કર વધારો મોટા પાયે બેરોજગારી નોતરશે અને ટુરિઝમ ઉદ્યોગને ફટકો મારશે
Posted by Niilesh waghela
મુંબઈ: આભને આંબતા ટેક્સ અને અવિરત તથા કઠોર વસૂલાત મહારાષ્ટ્રમાંના હૉસ્પિટાલિટી ઉદ્યોગ ખીણની અણી તરફ ધકેલી રહ્યા છે, જેના કારણે આ ક્ષેત્રનું ભાવિ અને લાખો લોકોની રોજગારી સામે જોખમ ઊભું થઈ રહ્યું હોવાનું ઈન્ડિયન હૉટેલ ઍન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને (આહાર) આજે જણાવ્યું હતું.
એક વર્ષથી ઓછા સમયગાળામાં, આ ઉદ્યોગને એક પછી એક ઝટકાઓનો સામનો કરવો પડ્યો છે. લિકર પરનો વૅલ્યુ ઍડેડ ટેક્સ (વેટ) 5%થી વધારી ને 10% કરી દેવાયો છે. એ પછી નાણાંકીય વર્ષ 2025-26 માટે લાઈસન્સ ફીઝમાં 15%નો વધારો ઝીંકાયો હતો. હવે, રાજ્ય સરકારે ઍક્સાઈઝ ડ્યુટીમાં અધધધ 60%નો વધારો કર્યો છે. એકંદરે, આ ત્રણ મોટા ઝટકાએ બિઝનસને સાવ અસ્થિર તથા બિનકાર્યક્ષમ બનાવી મુક્યો છે, વળી કોવિડ-19 મહામારી પછી લાગેલા આર્થિક ઝટકાઓમાંથી હજી આ ઉદ્યોગ બેઠો પણ નથી થઈ શક્યો, ત્યાં નવા ઝટકા લાગ્યા છે.
આને “અન્યાયી વસૂલાતોની સુનામી” તરીકે વર્ણવતા આહારે ચેતવણી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા હાલના નીતિગત નિર્ણયો આ ઉદ્યોગને પતન તરફ ધકેલી રહ્યા છે અને રોજગારી તથા મહારાષ્ટ્રના વૈશ્વિક ટુરિઝમ હબ બનવાની મહેચ્છાઓ બંનેને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. વધતા ખર્ચનો બોજ ગ્રાહક પર નખાતો હોવાથી, આ ક્ષેત્રમાં સેવાની પરવડ ક્ષમતા અત્યારે જોખમ હેઠળ છે, જે માગમાં વધુ ઘટાડા સાથે કટોકટીની વધુ ઊંડી બનાવી રહ્યું છે.
આહારના અધ્યક્ષ શ્રી. સુધાકર શેટ્ટીએ જણાવ્યું હતું કે, “આ માત્ર આર્થિક ઝટકો નથી, રોજગાર અને રાજ્યની મહેસૂલમાં નોંધપાત્ર યોગદાન આપતા ઉદ્યોગને મરણતોલ ફટકો પણ છે. આ ત્રાસદાયક વધારો મરણતોલ ફટકા સમાન છે. અમારા સભ્યો હેબતાઈ ગયા છે અને તેમને ભવિષ્ય અંધકારમય જણાય છે. ઍક્સાઈઝ રિન્યુઅલ ફીઝમાં વધારાથી લઈ ને વેટ અને ઍક્સાઈઝ ડ્યુટીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ સાથે, અમારા ટકી રહેવા સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે, તેઓ ઉદ્યોગ સાથે ચર્ચા-વિચારણા શરૂ કરે અને કર વધારાને પાછો ખેંચવા માટે તાકીદનાં પગલાં લે”.
આહારે ધ્યાન ખેંચ્યું છે કે, આ અન્યાયી કર વધારાનાં પરિણામો દૂરગામી હશે. મહારાષ્ટ્રનો હૉસ્પિટાલિટી ઉદ્યોગ 19,000 કાયદેસર પરમિટ રૂમ તથા લાઉન્જ બાર ધરાવે છે, અને આ આંકડો વાર્ષિક 8%ના દરે વધી રહ્યો છે. આ ઉદ્યોગ સીધી રીતે ચાર લાખથી વધુ લોકોને રોજગાર આપે છે તથા 48,000 જેટલા વેન્ડર્સને આધાર આપે છે. વધુમાં, 18 લાખથી વધુ લોકો આડકતરી રીતે આ ઉદ્યોગ પર પોતાના ગુજરાન માટે આધાર રાખે છે. આવામાં, પાડોશી રાજ્યોમાંથી લિકર ગેરકાયદે રસ્તે રાજ્યમાં પગ કરશે, જેનાથી કરચોરી અને ભ્રષ્ટાચારમાં વધારો થશે. આટલા મોટા તંત્ર પર વધુ પડતો કરબોજ નાખવાથી તેના પ્રભાવ દૂરગામી અને વ્યાપક હશે- જે માત્ર આ ઉદ્યોગના બિઝનેસ પર જ નહી, પણ રોજગાર તથા સંલગ્ન ઉદ્યોગો તથા ગ્રાહકોની લાગણી પર પણ હશે.
એસોસિએશને વ્યાપક ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ અન્યાયી નીતિઓ એવા સમયે અમલમાં મૂકાઈ રહી છે જ્યારે વડા પ્રધાનનું કાર્યાલયે, વર્લ્ડ બૅન્કના સહયોગમાં, મુંબઈને ભારતનું ટોચનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા માટેનું વિઝન રજૂ કર્યું છે. આવામાં, આ કર વધારાની વિપરિત અસર થશે. ટુરિસ્ટો- સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય- વધુ પરવડે એવાં રાજ્યો તરફ જશે, જેના પગલે આવનારા લોકોની સંખ્યામાં, બિઝનેસની પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે, જેના પગલે રાજ્યની મહેસૂલ આવકમાં પણ ઓટ આવશે.
આહાર ભારપૂર્વક જણાવે છે કે, એસોસિએશનના તમામ સભ્યોએ સરકારની આ ઉદાસીનતા સામે ઘોર નિરાશા અને નારાજગી વ્યક્ત કરી છે. અનેકને ભય છે કે, આવા ભારે દબણ હેઠળ પોતાની કામગીરી ચલાવવાનું તેમના માટે શક્ય નહીં થાય. અસોસિએશને સરકારને આ નીતિઓ પર તરત વિચારણા કરવાની તથા વધુ કોઈ સુધારા અમલમાં મૂકતા પહેલા વાટાઘાટ કરવા માટે વિનંતી કરી હતી.
હૉસ્પિટાલિટી ઉદ્યોગ મહારાષ્ટ્રના અર્થતંત્રનો પાયાનો પથ્થર હોવાની સાથે તેની શહેરી ગતિશીલતા તથા વૈશ્વિક ઓળખનું મહત્વનું ચાલકબળ છે. આહાર પોતાના સભ્યોનું સંરક્ષણ કરવા તથા આ ક્ષેત્રને મળવા યોગ્ય આધાર તથા સન્માન મળી રહે એની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે.
Comments
Post a Comment