Stock market: હ્યુન્ડાઈ એ રોકાણકારોને નિરાશ કર્યા
હ્યુન્ડાઈનો ફ્લોપ શો, સૌથી મોટા આઇપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા
નિલેશ વાઘેલા
મુંબઈ: હ્યુન્ડાઈ ઈન્ડિયાએ અપેક્ષા મુજબ ડી-સ્ટ્રી પર ફ્લોપ શો કર્યો. આ સૌથી મોટા આઇપીઓએ અગાઉના, તેમના સમયના સૌથી મોટા જાહેર ભરણાંના નકારાત્મક માર્ગને અનુસરીને રોકાણકારોને નિરાશ કર્યા હતા.
હ્યુન્ડાઈ ઈન્ડિયાનો આઇપીઓ બહુવિધ બ્રોકરેજના ઊંચા રેટિંગ છતાં ૧.૫ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ થયો હતો અને પ્રારંભિક ટ્રેડ દરમિયાન જ શેરમાં છ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. જો કે પાછળથી તેમાં અમુક અંશે સુધારો જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે અગાઉના મોટા આઇપીઓ જેમ કે પેટીએમ અને એલઆઇસીને પણ આવી જ શરૂઆતનો સામનો કરવો પડ્યો હતો. બજારના સાધનો અનુસાર આ જાહેર ભરણાંનું અત્યંત મોટું કદ અને ઊંચા મૂલ્યાંકન તેના ગબડવા પાછળના મુખ્ય પરિબળો હતા.
આ બધા પરિબળ હોવા છતાં, આપણે એ પણ નોંધવું પડશે કે, હ્યુન્ડાઈ તેની બજાર સ્થિતિ અને એસયુવી સેગમેન્ટ પર વ્યૂહાત્મક ફોકસને કારણે મોટા કડાકાથી પોતાને બચાવીને ટકી રહેવામાં સફળ રહ્યો છે. પરંતુ બજારને અચરજ એ વાતનું છે કે નોમુરા, મેક્વેરી અને મોતીલાલ ઓસ્વાલ જેવા ત્રણ ટોચના બ્રોકરેજ હાઉસ તરફથી પહેલા દિવસે જ બાય રેટિંગ્સ સાથે સ્ટોક પર કવરેજ શરૂ કરવા છતાં, હ્યુન્ડાઈ ઈન્ડિયાના શેરો ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો અને તેની ઈશ્યૂ કિંમત સામે છ ટકા સુધી ગબડી ગયો.
બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે, રૂ. ૨૭,૮૫૬ કરોડનો હ્યુન્ડાઇ આઇપીઓ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો જાહેર ઇશ્યૂ છે. અગાઉના બે આઇપીઓ કે જેઓ સૌથી મોટા ભરણઆંનો ટેગ ધરાવતા હતા, તેની અવદશા પણ એવી જ જોવા મળી હતી.
પેટીએમના આઇપીઓેનું મૂલ્ય રૂ. ૧૮,૩૦૦ કરોડ હતું, આ શેર નવેમ્બર ૨૦૨૧માં લિસ્ટ થયું ત્યારે પહેલા દિવસને અંતે તેમાં ૨૭.૨૫ ટકાનો કડાકો નોંધાયો હતો અને રોકાણકારો ધોવાઇ ગયા હતા. આ પછી મે ૨૦૨૨માં, એલઆઇસીનો રૂ. ૨૦,૫૫૭ કરોડનો આઇપીઓ આવ્યો, હ્યુન્ડાઇએ બજારમાં પ્રવેશ કર્યો તે પહેલાંનો આ સૌથી મોટો આઇપીઓ પણ બજાર પ્રવેશ વખતે લગભગ આઠેક ટકાની સાથે બંધ થયો હતો.
વાસ્તવમાં, હ્યુન્ડાઈના પહેલા સાત સૌથી મોટા આઇપીઓમાંથી, માત્ર એક, કોલ ઈન્ડિયાએ લિસ્ટિંગના દિવસે રોકાણકારો માટે નફો બતાવ્યો હતો. નોંધવું રહ્યું કે આ અગાઉ એલઆઇસી, પેટીએમ, જીઆઇસી, એસબીઆઇ કાર્ડસ, રિલાયન્સ પાવર અને ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ જેવા અન્ય તમામ મોટા આઇપીઓએ પણ નુકસાન નોંધ્યું હતું.
હ્યુન્ડાઇ સાથે ઇતિહાસનું પુનરાવર્તન કેમ થયું? આ સવાલના જવાબમાં માર્કેટ એક્સપર્ટસ એવા કારણો જણાવે છે, એક નોંધપાત્ર પરિબળ આઇપીઓનું મોટું કદ છે, બજારમાં ઊંચા ફ્લોટીંગ સ્ટોક્સને પરિણામે શેરના પુરવઠામાં વધારો થાય છે, જે શેરના ભાવને નકારાત્મક અસર કરી શકે છે.
------------
Comments
Post a Comment