BOOK LAUNCH: અમદાવાદ ખાતે ત્રણ સહિયારી બુકનું વિમોચન
મનપાંચમનો મેળો: ત્રણ સહિયારી બુકનું વિમોચન
POSTED BY : NILESH WAGHELA
મુંબઈ: રીફોર્મ ક્લબ, અમદાવાદ ખાતે તા.૧૦ ડીસેમ્બરના રોજ ત્રણ સહિયારી પુસ્તકોનો વિમોચન સમારંભ આયોજિત થયો હતો, જેમાં ગુજરાતી ભાષાના સંવર્ધનમાં સહિયારી બુકનો પ્રકલ્પ સમયની માંગ બની રહ્યો હોવાનો કેન્દ્રીય વિચાર ફરી મંચ પર પડઘાયો હતો.
આ કાર્યક્રમમાં સુશ્રી ચેતના ભાટીયા અને સુશ્રી જાગૃતિ કૈલાના સંપાદન આંતર્ગતના બે પુસ્તકો, ૧) પગદંડી, અને ૨) સંવેદનાનો સંગમ શિર્ષક ધરાવતા પુસ્તકો, તેમ જ સુશ્રી ચેતના ભાટીયાના સ્વતંત્ર પુસ્તક Unspoken Feelingsનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી જયંત ડાંગોદરા( સંયોજક: *પાક્ષિકી ગુજરાતી સાહિત્ય પરિષદ, મેમ્બર-સેન્ટ્રલ કમિટી, ગુજરાતી સાહિત્ય પરિષદ), અતિથિવિશેષ શ્રી વિસ્વેશ ભારતીય(સ્કીટ રાઇટર, ડિરેક્ટર, કવિ, સોશ્યલ વર્કર, સ્ટ્રીટ ચીલ્ડ્રન સ્ટડી પ્રમોટર) તથા પ્રો. મુકુલ દવે *સનમ (કવિ, લેખક, ગઝલકાર) ઉપસ્થિત રહ્યા હતા.
સહિયારા પુસ્તકનું સંપાદન-એક કળા વિષય પર સુશ્રી ચેતના ભાટિયાએ એમના વક્તવ્યમાં પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે લેખનથી સંપાદન સુધીની કેડીએ લઈ જનાર આ જીવનનો તબક્કો યાદગાર બન્યો છે. આ માટે હું મારા સૌ સાથીઓનો આભાર માનું છું.
નવલિકા-નવલકથા વિચાર અને વિસ્તાર વિષય પર સુશ્રી વંદના પટેલે સાહિત્યના આ બન્ને પ્રકારનું બંધારણ અને તેમની આગવી વિશિષ્ટતા પર વિદ્વત્તા સભર માહિતી આપી હતી.
કાવ્ય, ગઝલ એક આસ્વાદ પર વડોદરાથી પધારેલ ગઝલકાર શ્રી કૌશલ મોદી *કુંજ તેમના અભ્યાસ પૂર્ણ શૈલીમાં કાવ્ય-ગઝલની ખૂબી પર પ્રકાશ પાડ્યો.
મુ્ખ્ય મહેમાન શ્રી જયંત ડાંગોદરા એ શબ્દનું ક્યારે અને કેવી રીતે સાહિત્યમાં રુપાંતર થાય તે અંગે મનનીય વિચારો રજુ કર્યા. અતિથિ વિશેષ શ્રી વિશ્વેસ ભારતીય એ સાહિત્ય સંવર્ધન, ઉજળા ભવિષ્ય અને ભયસ્થાનો વિશે તેમનું મંતવ્ય રજુ કર્યું. અન્ય અતિથિ વિશેષ શ્રી મુકુલ દવે સનમ એ સાહિત્યમાં ગદ્ય, પદ્યનું સ્થાન અને તેમના આગવા મહત્વ વિશે માહિતીપ્રદ સંબોધન કર્યું.
પ્રથમ સત્રની આભારવિધી યુવા સાહિત્યકાર શ્રી સૌરભ રાવલ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે, સમગ્ર કાર્યકર્મનું સંચાલન ડો. હર્ષદ લશ્કરી દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્વરુચિ ભોજન બાદ કવિ સંમેલન ના બીજા સત્રનું સંચાલન શ્રી કૌશલ મોદી કુંજ દ્વારા ઉમંગ અને ઉત્સાહથી ભરપુર માહોલમાં સંપન્ન થયું, જેમાં ઉપસ્થિત દરેક કવિ/ લેખકે તેમની રચના રજુ કરી. સમગ્ર કાર્યક્રમની સુચારુ વ્યવસ્થામાં શ્રી પ્રણવ સોની ની મહેનત નેત્રદીપક બની રહી. સાહિત્ય સૌરભ પ્રસરાવતો કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો.
Comments
Post a Comment