Tax free India: જાણો સુબોધ જયપ્રકાશના સૂચનો
કરવેરા આતંકવાદ સામે વેપારીઓમાં આક્રોશ:બધા વેરા નાબૂદ કરી પ્રોપર્ટી પર વાર્ષિક એકવાર વેરાનું સૂચન
અગ્રણી વેપારી સુબોધ જયપ્રકાશ દ્વારા જનજાગૃતિ માટે ‘‘ટૅક્સ ફ્રી ઈન્ડિયા’’ હિન્દી ફિલ્મનું નિર્માણ
Posted by Nilesh waghela
મુંબઈ: વેપારી સમુદાયે વેરાના આતંકવાદથી ત્રસ્ત થઈને આવકવેરો, જીએસટી, વેટ, એક્સાઈઝ ડ્યુટી, કસ્ટમ ડ્યૂટી, પ્રોપર્ટી ટૅક્સ, એમસીએ આરઓસી, પ્રોફેશનલ ટૅક્સ, સ્ટૅમ્પ ડ્યૂટી વગેરે નાબૂદ કરવાની માગણી કરી છે. તેમણે આના બદલે વનટાઈમ પ્રોપર્ટી ટૅક્સ લેવાનું સૂચન કર્યું છે. કમર્શિયલ એકમો પર સ્કે. ફિટ દીઠ રૂ. ૭૦૦નો ઍડવાન્સ ટૅક્સ લેવાની ભલામણ કરી છે.
આનાથી સરકારી તિજોરીની આવક હાલના સ્તરેથી વધી જશે. આ ઉપરાંત બિઝનેસમૅન અને કરદાતાઓને થતી હેરાનગતિ અને ત્રાસ દૂર થઈ જશે.
ભારત સરકારનું બજેટ રૂ. ૫૭ લાખ કરોડ આસપાસનું હોય છે. આમાં રૂ. ૪૦ લાખ કરોડની રેવન્યુ અંદાજાય છે અને રૂ. ૧૭ લાખ કરોડની ખાધ રહે છે. આ ખાધ વિવિધ પ્રકારનાં દેવાંથી પૂરી કરાય છે. આ ખાધ, દેવું અને વ્યાજની અસર ગણીએ તો આ કાળચક્રનો કોઈ અંત દેખાતો નથી. આ ઉપરાંત વિવિધ રાજ્યોનાં બજેટો અને મ્યુનિસિપલ બજેટો હોય છે. ત્યાં પણ દેવાં મારફત ફંડની જોગવાઈ કરાતી હોય છે.
ભારતમાં અંદાજે ૧૦,૦૦૦ કરોડ ચો. ફિટ કૉમર્શિયલ ઍરિયા છે. આના પર ચો. ફિટ દીઠ રૂ. ૭૦૦ વનટાઈમ ટૅક્સ લાદવાથી રૂ. ૭૦ લાખ કરોડ ભેગા કરી શકાશે. જે બજેટની જોગવાઈથી વધુ હશે. આ બાદ અન્ય ટૅક્સની કે તેના પાલનની જરૂરત રહેશે નહીં.
વર્તમાન ટૅક્સ પ્રણાલી વધુ જટિલ છે. તેનાથી ભ્રષ્ટાચાર અને હેરાનગતિ વધે છે. કાળાં નાણાંનો પ્રવાહ આ ભ્રષ્ટાચારથી વધે છે.
વેપારી સમુદાય સરકાર વતી ટૅક્સ ગ્રાહકો પાસેથી વસૂલ કરે છે. તેના પર હિસાબકિતાબ પોતાના ખર્ચે સાચવે છે. આ અકાઉન્ટ્સ બુકો વેપારીઓએ ૮ વર્ષ સુધી સાચવવી પડે છે જે ખૂબ લાંબો સમયગાળો છે. આમાં બધું પુરવાર કરવાની જવાબદારી વેપારીઓના માથે હોય છે અને વેપારીઓને આ કામ માટે કોઈ કમિશન મળતું નથી. આ સામે સરકારી અધિકારીઓ પાસે અમર્યાદ સત્તાઓ હોય છે. સરકારી અધિકારીઓ નોટિસો ઈસ્યુ કરે છે, સર્ચ-સીઝરનું હથિયાર ઉગામે છે, વેપારી અને તેના પરિવારને ગમે ત્યારે પૂછપરછ માટે બોલાવે છે. આ ઉપરાંત અધિકારીઓ પ્રામાણિક કરદાતાની પણ કનડગત કરે છે અને કાળાં નાણાં પડાવે છે. આ સામે આપણી કાર્યપ્રણાલી પણ એટલી અસરકારક નથી.
મુંબઈસ્થિત સામાન્ય વેપારી સુબોધ જયપ્રકાશે છેલ્લાં ૪૦ વર્ષ સરકારી કાયદાઓના પાલનમાં કાઢ્યાં છે. આ સિસ્ટમથી કંટાળ્યા બાદ તેમણે ફૂલ-લેન્થ હિન્દી ફીચર ફિલ્મ ‘‘ટૅક્સ ફ્રી ઈન્ડિયા’’નું નિર્માણ કર્યું છે, પણ સેન્સર બોર્ડ (સીબીએફસી)એ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ આપવાની ના પાડી છે. ત્યાર બાદ સુબોધ જયપ્રકાશ પાસે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ હતો, પણ તેમાં સમય અને નાણાંનો ખૂબ વેડફાટ થવાનો ડર હતો. આથી તેમણે હવે ફિલ્મ યુટ્યુબ પર રીલીઝ કરી છે જે કાયદેસર છે. આ ફિલ્મ મજબૂત સામાજિક સંદેશો આપે છે.
સુબોધ જયપ્રકાશ જણાવે છે કે જો સરકાર આ નવી પ્રણાલી અપનાવશે તો સરકારને આવક સિંગલ સ્રોતથી ઍડવાન્સમાં મળશે. આથી વિકાસકાર્યો વધુ થશે. વેપારીઓની હેરાનગતિ અટકશે અને કાળું નાણું ઓછું થઈ જશે. આથી વેપારઉદ્યોગ ફૂલશે ફૂલશે. આથી બૅન્કિંગ વ્યવહારો વધશે અને રોજગારની તકો વધશે. લોકો દુબઈ કે અન્ય ટૅક્સ હેવન દેશોમાં જે નાણાં સંતાડે છે તે નાણાં ભારતમાં પાછાં આવી જશે. આથી નાણાં ચક્ર વધુ ગતિમાન થશે. ભાવો ઘટશે અને ફુગાવો ઘટશે.
સુબોધ જયપ્રકાશને વેપારઉદ્યોગની ઘણી સંસ્થાઓ અને વેપારી નેતાઓનો સહયોગ સાંપડ્યો છે. આમાં શંકર વી. ઠક્કર (કન્ફીડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ કેઈટ - મહારાષ્ટ્રના સેક્રેટરી - જનરલ),
દીપા રૂપારેલ (યુનાઈટેડ એનજીઓ ચેમ્બર ફોર સોશિયલ ડેવલપમેન્ટ),
યોગેશ ઠક્કર (મસ્જિદ બંદર મેવામસાલા મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ),
રમણિક છેડા (મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ),
કીર્તિભાઈ રાણા (નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રમુખ),
ચંદ્રકાન્ત એસ. રામાની (નવી મુંબઈ કો-ઓપ હાઉસિંગ સોસાયટી લિ.ના ડાયરેક્ટર)નો સમાવેશ થાય છે.
Comments
Post a Comment