નવરાત્રી એટલે મા જગદંબાની આરાધનાનો પર્વ
નવરાત્રી મહોત્સવ એટલે મા જગદંબાની આરાધનાનો પર્વ
યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા |
નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ: ||
- ડૉ. જયા મણવર , ભારતીય વિદ્યાભવન, જામનગર
સમગ્ર સંસારનું નિયમન કરનારી આદ્યશક્તિ મા ભવાની, જગન્માતા, જગદંબા કે માં દુર્ગા તરીકે જાણીતા છે, તે શક્તિ સ્વરૂપા દેવીને નમસ્કાર કરીએ.
પ્રાણીમાત્રમાં શક્તિતત્વ મૌજુદ છે. તન-મનની શક્તિ, જેમકે, હલનચલનની શક્તિ, જોવાની અને સાંભળવાની શક્તિ વગેરે તેમજ મનની શાંત અને અશાંત જેવી માનસિક શક્તિ વગેરેથી આપણું અસ્તિત્વ છે. કેમકે, શક્તિ વિના શિવ પણ “શવ” બની જતા હોય છે. સમગ્ર જીવમાત્રમાં જન્મથી માંડી મૃત્યુ સુધી આ અલૌલિક શક્તિ તત્વ હાજર હોય છે, તે બાબત સર્વ વિદિત છે. “શક્તિ” માં રહેલ પ્રથમ “શ” નો અર્થ સમૃદ્ધિ કે કલ્યાણ અથવા ઐશ્વર્ય તથા “ક્તિ” નો શૌર્ય કે પરાક્રમ અર્થ લઈએ તો કલ્યાણકારિતા તથા પરાક્રમશીલતા આ બે ગુણોનું મૂર્તિમંત સ્વરૂપ છે, આ જેવું સ્વરૂપ છે તેવી દૈવીશક્તિ ઐશ્વર્યવાન અને પરાક્રમસ્વરૂપા છે.
સમર્થ બનવું એ “શક્” ધાતુ ઉપરથી વ્યુત્પન્ન થયેલ મનાય છે. વ્યક્તિ કે વસ્તુ વગેરેમાં રહેલું તેમના કાર્ય અંગેનું ચાલક બળ, એ “શક્તિ” શબ્દનો મૂળ અર્થ લાગે છે. ઇષ્ટ કાર્ય કે કર્મને સિદ્ધ કરી આપે તેવા બળને અર્થાત્ સામર્થ્યને “શક્તિ કહેવાય છે અને આ અભિપ્રેત અર્થમાં તાકાત, કૌવત, દૈવત, સામર્થ્ય, સત્વાદિ “શક્તિ” નાં સમાનઅર્થી લેખી શકાય છે. આ સત્વશક્તિ દુનિયામાં ચેતન અને જડ એવાં સર્વ પદાર્થમાં જોવા મળે છે, પરંતુ મનુષ્ય મનુષ્યમાં આ શક્તિ ભિન્ન, અભિન્ન અને વિભિન્ન હોય છે.
ભૌતિક પદાર્થમાં રહેલી અધિભૂત શક્તિ તથા માણસ, પશુ, પંખી, વનસ્પતિ વગેરે રહેલ સામર્થ્ય છે તે અધિદૈવ શક્તિ છે. જ્ઞાનીઓનું જે સામર્થ્ય છે તે આધ્યાત્મિક શક્તિ છે અને આ શક્તિ બ્રહ્મમાનંદની અનુભૂતિ કરાવે છે. ‘શ્વેતાશ્વર ઉપનિષદ’માં કહેવાયું છે કે પોતાના ગુણોથી ઢંકાયેલ દેવની આત્માનુભૂતા શક્તિ જગતનું કારણ છે. આ પરાશક્તિ સ્વભાવિકી તથા વિવિધ સ્વરૂપોવાળી છે તેમજ જ્ઞાનશક્તિ, બળશક્તિ અને ક્રિયાશક્તિ આ એના ત્રણ વિભાગે પ્રસ્તુત છે. ક્રિયાસ્વરૂપા શક્તિ પ્રાણમય છે; ઈચ્છાસ્વરૂપા શક્તિ મનોમય છે અને જ્ઞાનસ્વરૂપા શક્તિ વિજ્ઞાનમય છે. બ્રહ્મનું સચ્ચિદાનંદરૂપ પોતાનું સ્વાભાવિક શક્તિસ્વરૂપ છે તે સ્વયંભૂ દિવ્યશક્તિ જ્ઞાન, ઈચ્છા અને ક્રિયારૂપે વિભક્ત થાય છે. પ્રથમાભાવે ચિત્તશક્તિ બાલિકાના સ્વરૂપે પૂજાય છે અને તેમાં ઈચ્છાશક્તિની પ્રધાનતા છે.
દ્વિત્તિયાભાવે સુંદરી રૂપે ક્રિયાશક્તિ છે અને કાલી સ્વરૂપમાં તૃત્તિયાભાવે જ્ઞાનશક્તિનું પ્રાધાન્ય છે, આ ત્રણેય ભાવો થકી તુરીય પદનો બોધ પ્રાપ્ત થાય છે. ઈચ્છા, ક્રિયા અને જ્ઞાનશક્તિનું મૂળ કેન્દ્ર અધિકરણમાં રહેલું હોવાથી “શક્તિ” ને સ્ત્રીનું રૂપક અપાયેલું લાગે છે અને સંસારના ઉપાદાનકારણરૂપે નારાયણી, ઈશ્વરી, પરમેશ્વરી વગેરે સંજ્ઞાએ ઓળખાતી લાગે છે. વાસ્તવમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક આ ત્રણેય સચેતન દેહમાં શક્તિતત્વનો કુંડલિનીરૂપે ગુપ્તવાસ હોય છે. જગતને ઉત્પન્ન કરવાની ઈચ્છાશક્તિને ‘ત્રિપુરા’ કહેવાય છે અને તે સુંદરી, અંબિકા, ઉમા, પાર્વતી જેવાં નામોથી ઓળખાય છે. ઉપાસકોના મતે શિવ અને શક્તિ એટલે કે પુરુષ અને પ્રકૃતિનાં યોગથી સંસાર બન્યો છે.
પરમેશ્વરી શક્તિનો પ્રકૃતિ રૂપે પ્રથમ આવિર્ભાવ થયાનું વર્ણન ઉપનિષદો અને પુરાણાદિમાં જોવા મળે છે. બ્રહ્મ ચૈતન્યની શુદ્ધ શક્તિ ગાયત્રી, સરસ્વતી અને સાવિત્રી સ્વરૂપે છે. કાલી, તારા, સુંદરી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમવતી, બગલા, માતંગી અને કમલા, આ દસ શક્તિનાં મુખ્યરૂપોને દસ મહાવિદ્યા મનાય છે. બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી અને ઐન્દ્રી, આ સાત શક્તિઓને માતૃકા શક્તિ કહેવાય છે. કાલી, કરાલી, કાપલી, ચામુંડા અને ચંડી જેવી રુદ્ર શક્તિઓ છે. વેદોમાં વ્યાપકપણે “શક્તિ”નું વર્ણન છે.
આદ્યશક્તિ અંબાજીનાં અનેક નામો છે, ભગવાન શિવજીના પત્ની પાર્વતીનાં નામે ઓળખાતા આ દુર્ગા દેવીનાં શાસ્ત્રોમાં શક્તિ તરીકેનાં અનેક અવતારો બતાવવામાં આવ્યાં છે, જેમાં મુખ્ય નવ સ્વરૂપો નવદુર્ગાનાં નામે વર્ણવાયેલા છે. “દેવી કવચ” માં શક્તિનાં નવે સ્વરૂપનો ઉલ્લેખ મળે છે : “ પ્રથમ શૈલપુત્રી ચ દ્વીત્તિયં બ્રહ્મચારિણી |
તૃત્ય ચંદ્રઘન્ટેતિ કુષ્માંડા ચતૃર્થકમ્ |
પશ્ચમં સ્કન્દમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ
સપ્તમં કાલરાત્રિતિ મહાગૌરી અષ્ટમમ્ ||
નવં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રક્રીતિર્તા: |
ઉકતાન્યેતાનિ નામાનિ બ્રહ્મનૈવ મહાત્મના ||”
શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રાઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે. હિમાલયના પુત્રી તરીકે અવતરિત થયેલાં હેમવતી રૂપે પ્રસિદ્ધ પાર્વતી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. શૈલ એટલે પર્વત અને પર્વતપુત્રી એટલે પાર્વતી એ શૈલપુત્રી નવરાત્રીનાં પ્રથમ દેવી છે. જમણાં હાથમાં ત્રિશૂળ, ડાબા હાથમાં કમળ પુષ્પ અને મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરેલો છે. બીજા સ્વરૂપે તપનું આચરણ કરનારી બ્રહ્મચારિણી માતાને પાર્વતીના અવિવાહિતરૂપ સ્વરૂપે પૂજવામાં આવે છે. સફેદ વસ્ત્રો ધારણ કરનાર બ્રહ્મચારિણીએ શિવજીને મેળવવા માટે ફૂલ-પાન ખાઈને હજારો વર્ષ તપ કરેલું હતું.
નવદુર્ગાનાં ત્રીજા સ્વરૂપે સિંહ સવારી માતાજીનો રંગ સુર્વણ જેવો છે, દશ હાથ છે. તેણીનાં મસ્તક ઉપર ઘંટ આકારનો અર્ધ ચંદ્ર હોવાથી તેમને “ચંદ્રઘટા દેવી” કહેવાય છે. થોડી ઘણી સેવા અને ભક્તિથી જલ્દીથી પ્રસન્ન થતાં કુષ્માંડાનું સ્વરૂપ ખૂબ જ શાંત, સૌમ્ય અને મોહક માનવામાં આવે છે. ચોથા સ્વરૂપે અષ્ટભુજા કુષ્માંડા ત્રિવિધ તાપ હરનારા દેવી મનાય છે. સંસ્કારિક સમસ્યાઓથી મુક્તિ અપાવતા નવ દુર્ગા પૈકી સ્કંદમાતા એ સ્વરૂપ છે જે સ્ત્રી અને પુરુષ એટલે કે માતા– પિતા બનીને પોતાના બાળકોનું લાલન પાલન કરે છે. બે હાથમાં કમળ, એક હાથે બાળક(સ્કંદ/ કાર્તિકેય)ને ખોળામાં પકડેલાં છે અને ચોથો હાથ વરદાન મુદ્રામાં છે, આ ચાર ભુજાયુક્ત સ્કંદમાતાની ઉપાસના પાંચમાં સ્વરૂપે કરવામાં આવે છે. માતા કાત્યાયની દુર્ગાનું છઠું સ્વરૂપ છે અને કાલરાત્રિ સાતમું સ્વરૂપ છે.
અત્યંત ચમકીલા અને તેજસ્વી અષ્ટભુજા કાત્યાયની દેવી મનોવાંછિત ફળ આપનાર વરદાયિની માતા છે. જયારે, કૃષ્ણ વર્ણ ધરાવતા કાલરાત્રિ દેવી વ્યક્તિને આકસ્મિક કટોકટીથી રાહત આપે છે. આઠમાં સ્વરૂપે મહાગૌરીનાં એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં ડમરું, ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા તથા વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ હોવાથી “વૃષારુઢા” પણ કહેવાય છે. સિદ્ધિદાત્રી માતા એ નવદુર્ગાનું નવમું સ્વરૂપ છે.
સિંહવાહિની આ દેવી મહંદશે કમળ પર બિરાજમાન થયેલાં જોવા મળે છે. આ રીતે વર્ષ દરમિયાન આવતી નવરાત્રીઓનાં નવ દિવસ શક્તિનાં એક એક સ્વરૂપની પૂજા- અર્ચનાનો દિવસ માનવામાં આવે છે. નવરાત્રિમાં 51 શક્તિપીઠોમાં વિશેષ સેવા પૂજા થતી જોવા મળે છે.
રામે રાવણ પર વિજય મેળવ્યો એ વિજયાદશમી અને શરદપૂનમે કૃષ્ણનો મહારાસ ઉજવીને આપણે દીપાવલીની તૈયારીમાં લાગી જઈએ છીએ...
દિવાળીના ઉત્સવનો પ્રારંભ વાક્ બારસથી થાય છે. આપણે તેને વસુ બારસ, વાઘ બારસ અને ગોવત્સદ્વાદશી તરીકે ઓળખીએ છીએ. વાક્ એટલે વાણી અને વાણીનાં દેવી સરસ્વતીની અર્ચના થાય છે. વાક્ નું અપભ્રંશ થયું અને લોકો વાઘ બારસના નામે જાણવા લાગ્યાં. ગોવત્સદ્વાદશીએ ગાયરૂપી શક્તિની પૂજા કરવામાં આવે છે. ગૌમાતા આ દિવસે ક્ષીરસાગરમાંથી પ્રગટ થયા હતા અને એક માન્યતા પ્રમાણે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાથી બધા જ દેવતાઓની પૂજા થઈ જાય છે, એવી માન્યતા છે.
જો કામધેનુનું પ્રાગટ્ય બારસે છે તો ધનત્ર્યોદશીનાં દિવસે મહાશક્તિ લક્ષ્મીજી અને ધન્વંતરીનું પ્રાગટ્ય છે. શ્રી અને સ્વાસ્થ્ય શક્તિનું પ્રગટીકરણ છે. લક્ષ્મીજી પછી ધન્વંતરી અમૃત લઇ પ્રગટ થયેલાં. ગણપતિ, સરસ્વતી અને કુબેર સાથે લક્ષ્મી-નારાયણની ઉપાસના કરવા આવે છે. ધન તેરસ પછીનાં દિવસે કાળી ચૌદશ હોય છે, જે રૂપ ચૌદશ અને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે. શ્રી કૃષ્ણે આ દિવસે નરકાસુર પર વિજય મેળવી તેના ત્રાસમાંથી પ્રજાજનો અને તેને કેદ કરેલ સોળ હજાર કન્યાઓને મુક્ત કર્યા હતા.
જે રીતે સૌમ્ય સ્વરૂપા દેવી કાલિકા બનીને અસુર શક્તિને નષ્ટ કરી રહ્યા હતા તેવી રીતે સમય તથા સંજોગોની સામે સતત ગતિશીલ રહેવા માટેની સ્થિરતા કાળી ચૌદશની સાધનાથી મળે છે. શ્રી, સ્વાસ્થ્ય અને મનની શક્તિ સાથે જોડાયેલ તહેવાર એટલે દિવાળીનો આગલો દિવસ. મનની શક્તિની દેવી, ઈચ્છાપૂર્તિની દેવી, વિજયની દેવી એટલે મહાકાલી દેવી એમ કહેવાય છે.
શ્રી મહા સરસ્વતી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાકાળી, આ ત્રિદેવી એ આપણા જીવનના મુખ્ય ત્રણ પાસા સાથે સંલગ્ન છે. પાંચ દિવસ ઉજવાતો આ દિવાળીનો તહેવાર પાંચ તત્વોને ઉજાગર કરવા માટે છે, પોતાના અંદરના અંધકારને દૂર કરવાનો અને પ્રકાશિત થવાનો શુભ સંદેશ આપનારો છે. કેમકે, ભારતમાં તો અંધકારની પણ આ અનોખી પૂજાભાવના છે, એમ દિવાળીનો દિવસ સાબિત કરે છે. એકંદરે જોઈએ તો અંધકારની ઊર્જા શક્તિને સકારાત્મક દિશા આપવાની તથા એનાંથી આંતરિક ચેતનાશક્તિ કે પ્રકાશશક્તિ પ્રાપ્ત કરવાની આ વાત છે અને એ ખરું સાત્વિક શક્તિતત્વ છે.
વાણીશક્તિ પ્રદાતા શ્રીશારદા દેવી આપણી વાણી-ભાષાને સારી રાખે, આપણી વાચાથી કોઈને પણ દુ:ખ ન પહોંચે તે માટે તેમની પૂજા કર્યા બાદ શ્રીલક્ષ્મીની સંપદા માટે આરાધના કરવામાં આવે છે. કાળી ચૌદશની સાધના માણસને ચૈતન્ય શક્તિ પ્રદાન કરે છે. આ દિવસે હનુમાનજીની તથા લોકોનાં પોતાનાં કુળદેવ, કુળદેવી કે ઇષ્ટદેવની પૂજા કરવામાં આવે છે. કુળની પરમ્પરા પ્રમાણે નૈવેદ અર્પણ કરવામાં આવે છે નિયમાનુસાર સમગ્ર પરિવારની હાજરીમાં નૈવેદ અર્પિત કર્યા બાદ પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે, ભેગો થયેલો પરિવાર આ પ્રસંગે અભિભૂત હોય છે, આંનદિત હોય છે કેમકે પરિવારની ભાવના જાગૃત થતી હોય છે. પારિવારિક શક્તિ પ્રાપ્ત થતાં હર્ષોલ્લાસ સાથે દિપાવલી ઉજવાય, નૂતન વર્ષાભિનંદન અને સ્નેહ મિલન પણ યોજાય, કેવી કમાલની વાત બની જાય છે...
Comments
Post a Comment